ઉત્તરાયણ પર્વ નજીકના દિવસોમાં આવવાનો છે ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો શરૂ થયો છે. વેપારીઓ વધુ નફાની લાલચમાં આવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરે છે. જેના કારણે કેટલાક પક્ષીઓ અને માનવ જીવનની જીંદગી હણાય છે. ખેડા જિલ્લા પોલીસ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપલા સામે અત્યારથી જ કાર્યવાહી આરંભી દીધી છે. કપડવંજ ગ્રામ્ય પોલીસે સાવલી પાટીયા પાસેથી આઈસર ટ્રકમાં લઈ જવાતો રૂપિયા 4.18 લાખના ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા છે. પ્લાસ્ટિક દોરીના 1674 ફીરકા સાથે લાખો રૂપિયાની કિંમતની ચાઈનીઝ દોરી અને વાહન મળી કુલ રૂપિયા 11.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કપડવંજ ગ્રામ્ય પોલીસે ગતરાત્રે કપડવંજ તાલુકાના સાવલી પાટીયા નજીકથી કપડવંજ તરફ આવતી આઈસર ટ્રક નંબર (GJ 07 VW 7940)ને શંકાના આધારે અટકાવી હતી. બેટરીના અજવાળે વાહન અટકાવી ચાલક અને સાઈડમાં બેઠેલા ઈસમની પુછપરછ આદરી હતી. આ બંનેએ પોતાના નામ મહંમદસિદકી સીરાજમીયા મલેક (રહે.સધાણા, જમાલપુર, તા.માતર) અને મોહસીનખાન અનવરખાન પઠાણ (રહે. ભાલેજ, આણંદ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે આઈસર ટ્રકની તલાસી લેતા આઈસર ટ્રકમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. જે જોઈ પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી.
‘નોટ યુઝ ફોર કાઈટ ફ્લાઈગ’ લખેલ ચાઈનીઝ દોરીના બોક્ષ. મળી આવ્યા હતા જેમાં ચાઈનીઝ દોરીના ફીરકા હતા. કુલ પ્લાસ્ટિક દોરીના 1674 ફીરકા કિંમત રૂપિયા 4 લાખ 18 હજાર 500 સાથે ઉપરોક્ત બંનેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ બનાવમાં ગુનામાં વપરાયેલ વાહન તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 11 લાખ 28 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કરી BNSS કલમ 35(1)(ઈ),106 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાથી લાવ્યા અને ક્યા લઈ જવાતો હતો તે દીશામાં તપાસ હાથ ધરી છે.
ચાઈનીઝ, સિન્થેટીક દોરી સામે ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે : જિલ્લા પોલીસ વડા
જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, લોકો આ પ્રકારની દોરીનો ઉપયોગ ન કરે, વેચાણ કર્તાઓ આ પ્રકારની દોરીનો સંગ્રહ કરશે તો, કાયદાકીય પગલા ભરાશે. આ દોરીથી ભૂતકાળમાં કેટલાયના જીવ ગયા છે. માપે માનવતાવાદી અભિગમ દર્શાવી અને રાષ્ટ્રના જવાબદાર નાગરિક બનીએ અને આ પ્રકારની દોરી ન વાપરવા અપીલ કરી છે. આવનાર દિવસોમાં ખાસ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે.