ચહેરો અને બન્ને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો જગતનો પ્રથમ કિસ્સો ન્યૂયોર્કમાં નોંધાયો છે. 2018માં કાર અકસ્માત દરમિયાન જોસેફ (જો) (ઇનસેટ તસવીર) નામના યુવાનનું શરીર દાઝી ગયું હતું. ફિંગર પ્રિન્ટ નષ્ટ થઈ હતી અને શરીરને બીજું ઘણુ નુકસાન થયું હતું.
પણ ડોક્ટરોએ આશા ગુમાવી ન હતી. મેડિકલ ભાષામાં જેને થર્ડ ડીગ્રી બર્ન કહેવામાં આવે એવી સ્થિતિમાં ડોક્ટરોએ ઓપરેશન આદર્યું હતું. કુલ મળીને 140 ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફરોએ 23 કલાક મહેનત કરી યુવાનનો ચહેરો અને બન્ને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરી દેખાડયા હતા.
એટલે કે બન્ને અંગો નવેસરથી સર્જ્યા હતા. અલબત્ત, તેમાથી જોનો ચહેરો અગાઉ કરતા બદલાયો હતો, પણ બળેલી ચામડી દૂર કરી શકાઈ હતી. ઓપરેશન કરવા જેવી સ્થિતિમાં લાવવા માટે તેને અગાઉ ચાર મહિના તો બર્ન યુનિટમાં રાખવા પડયા હતા.
એ પછી સ્થાનિક હોસ્પીટલે જોને ન્યૂયોર્ક યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં મોકલી આપ્યા હતા, જ્યાં ટ્રાન્સપ્લાન્ટની સારવાર થઈ હતી. ઓપરેશન થયા પછી ચાર મહિના તેમને દવાખાનામાં રખાયા હતા, જેમાંથી શરૂઆતના 45 દિવસ આઈસીયુમાં પસાર થયા હતા. એ દરમિયાન જ તેને નવા હાથના હલનચલન, ચહેરા પર આંખો ખોલવાની પ્રેક્ટિસ કરાવાઈ હતી.
આ પહેલા ચહેરા અને હાથના ટ્રાન્સપ્લાન્ટના બે પ્રયાસો થયા હતી, પણ સફળતા મળી ન હતી. એક પ્રયાસમાં દરદીનું મોત થયુ હતુ, બીજામાં હાથ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી કાપી નાખવા પડયા હતા. માટે આ ટ્રાન્સપ્લાન્ટને જગતનું પ્રથમ સફળ ઓપરેશન જાહેર કરતાં પહેલા ડોક્ટરોએ પુરતી રાહ જોઈ હતી.