સીબીઆઇએ સંદેશખાલી કેસમાં પ્રથમ એફઆઇઆર નોંધી, ૫ પ્રભાવશાળી લોકોને આરોપી બનાવ્યા

નવીદિલ્હી, સીબીઆઇએ પશ્ર્ચિમ બંગાળના સંદેશખાલીમાં પાંચ પ્રભાવશાળી લોકો સામે જમીન પચાવી પાડવા અને જાતીય સતામણીના આરોપમાં પહેલો કેસ નોંયો છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે આ જમીન પચાવી પાડવાનો મામલો છે જ્યાં પીડિત પરિવારની મહિલાઓને કથિત રીતે પ્રભાવશાળી લોકો તરફથી જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો.

સીબીઆઇએ હજુ સુધી પાંચ આરોપીઓ અને પીડિતોની ઓળખ જાહેર કરી નથી. કલકત્તા હાઈકોર્ટે ૧૦ એપ્રિલે પશ્ર્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સામેના ગુનાઓ અને જમીન પચાવી પાડવાના આરોપોમાં કોર્ટની દેખરેખ હેઠળની સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે ન્યાયના હિતમાં “નિષ્પક્ષ તપાસ” જરૂરી છે.

સીબીઆઇએ લોકોને આવા કેસમાં ફરિયાદ કરવા માટે ઈમેલ આઈડી જારી કરી હતી અને મોટી સંખ્યામાં ફરિયાદો મળી હતી. એજન્સીએ આરોપોને શોધી કાઢવા અને આરોપોને પ્રાથમિક દૃષ્ટિએ ચકાસી શકાય તેવા કેસ નોંધવા માટે એક ટીમ સંદેશખાલી મોકલી હતી. વિસ્તારની મુલાકાત દરમિયાન પ્રારંભિક વેરિફિકેશન બાદ જમીન પચાવી પાડવા અને મહિલાઓ પર હુમલાના આરોપમાં આવી પ્રથમ FIR નોંધી છે.

જણાવી દઈએ કે પશ્ર્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના સંદેશખાલી ગામમાં તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા દ્વારા મહિલાઓના યૌન શોષણના આરોપોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિસ્તારની ઘણી મહિલાઓએ પાર્ટીના મજબૂત સ્થાનિક નેતા શાહજહાં શેખ અને તેમના સમર્થકો પર જમીન હડપ કરવાનો અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ૫ જાન્યુઆરીએ શાહજહાં સાથે સંકળાયેલા લોકોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓ પર કથિત રીતે હુમલો કર્યો હતો જેઓ રાશન કૌભાંડના સંબંધમાં દરોડા પાડવા ગયા હતા. બાદમાં શાહજહાંની ધરપકડ કરવામાં આવી હતી.