સીબીઆઈ અને ઈડી રાજકીય રીતે કામ કરી રહ્યા છે: આપ પ્રવક્તા સૌરભ ભારદ્વાજ

નવીદિલ્હી,

દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ મામલે સીબીઆઈ સમક્ષ હાજર થવાના હતા પરંતુ તેમણે સીબીઆઈને પત્ર લખીને કહ્યુ કે તેઓ દિલ્લીનુ બજેટ તૈયાર કરી રહ્યા છે, તેથી તેમને ઓછામાં ઓછો એક સપ્તાહનો સમય આપવામાં આવે. સીબીઆઈએ તેમની માંગ સ્વીકારી લીધી છે અને પૂછપરછ માટે તેમને ફરીથી સમન્સ મોકલવામાં આવશે. આ દરમિયાન સિસોદિયાએ દાવો કર્યો હતો કે આજે તેમની ધરપકડ થઈ શકી હોત. મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે મને આશંકા હતી કે ભાજપ તેમની ધરપકડ કરશે. હું ધરપકડથી ડરતો નથી અને પ્રશ્ર્નોથી પણ ભાગતો નથી. ઉપ મુખ્યમંત્રીએ કહ્યુ કે જો ભાજપ બદલો લેવા માંગતી હોય તો લે પરંતુ દિલ્લીવાસીઓના બજેટને પાટા પરથી ઉતારવાની કિંમતે નહિ. સિસોદિયાના આ નિવેદન અંગે આપ પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યુ કે સીબીઆઈ અને ઈડી રાજકીય રીતે કામ કરી રહ્યા છે.

સૌરભ ભારદ્વાજે કહ્યુ કે મનીષ સિસોદિયાની ધરપકડ કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે ભાજપ અને કેન્દ્રને ફટકાર્યા બાદ લેવામાં આવ્યો હતો. મનીષ સિસોદિયા દિલ્લીના નાણામંત્રી પણ છે. જી-૨૦ સમિટનુ આયોજન દિલ્લીમાં થવાનુ છે, તેથી દિલ્લીના બજેટને પ્રાથમિક્તા આપવી પડશે. સિસોદિયાની ધરપકડથી કર્મચારીઓના પગારમાં સમસ્યા આવશે અને ઘણા પ્રોજેક્ટ અટકી જશે. તેમણે દિલ્લીના બજેટની રજૂઆત બાદ પૂછપરછ કરવી જોઈએ. દિલ્લીની દારૂની નીતિ વિશે બોલતા ભારદ્વાજે કહ્યુ કે દારૂની નીતિ શ્રેષ્ઠ નીતિ છે. આ પૉલિસીથી સરકારને દોઢ ગણો ફાયદો થયો હોત, દારુના ભાવ પણ વયા ન હોત. આ જ નીતિ પંજાબમાં લાગુ કરવામાં આવી હતી અને પંજાબમાં આવક વધી છે.

આપનો આરોપ છે કે દિલ્હીના ન્ય્એ એક તૃતીયાંશ દુકાનો ખોલવા દીધી નથી. ઈડી સીબીઆઇના ડરને કારણે દારૂની દુકાનના છૂટક વિક્રેતાએ તેનું લાઇસન્સ સરેન્ડર કર્યું. તેથી જ દારૂની નીતિ પાછી ખેંચી લેવામાં આવી જેથી સરકારી દુકાનો ખોલીને ૬ હજાર કરોડ નહીં તો ઓછામાં ઓછી ૫૦૦૦ કરોડની આવક થઈ શકે.