- અમદાવાદના ૫૦થી વધુ અને ગુજરાતના ૭૦થી વધુ વિદ્યાર્થીએ ૯૯ કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
દેશમાં આવેલી 21 ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM) અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ એટલે કે કેટનું પરિણામ ગઈકાલે જાહેર થયુ છે.જેમાં દેશના 14 ટોપર્સ વિદ્યાર્થીઓમાં ગુજરાતના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. અમદાવાદનો વિદ્યાર્થી પુરા 100 પર્સેન્ટાઈલ મેળવવા સાથે ગુજરાતનો ટોપર રહ્યો છે. અમદાવાદના 50થી વધુ અને ગુજરાતના 70થી વધુ વિદ્યાર્થીએ 99 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. પરિણામ બાદ હવે વિવિધ આઈઆઈએમમાં પ્રવેશ માટે પર્સનલ ઈન્ટરવ્યુ સહિતની પ્રક્રિયા થશે. આ વર્ષે પીજીપી પ્રોગ્રામ સહિતના કોર્સની પાંચ હજારથી વધુ બેઠકો છે.
દર વર્ષે જુદી જુદી આઈઆઈએમ દ્વારા કેટ પરીક્ષા લેવાય છે અને આ વર્ષે આઈઆઈએમ લખનઉ દ્વારા કેટ લેવામા આવી હતી. આ વર્ષે રેકોર્ડબ્રેક 3.28 લાખ વિદ્યાર્થીઓ કેટ પરીક્ષા માટે નોંધાયા હતા. જે ગત વર્ષ કરતા 30 ટકા વધુ હતા. નોંધાયેલા 3.28 લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી 2.88 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કેટ પરીક્ષા આપી હતી. આ વર્ષે કેટ પરીક્ષા ખૂબ જ અઘરી રહી હતી. ખાસ કરીને તમામ સ્લોટમાં મેથ્સના પ્રશ્નો અઘરા રહેતા વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. આજે જાહેર થયેલા કેટના પરિણામમાં પણ કેટમાં અઘરા રહેલા મેથ્સના સેકશનની સીધી અસર દેખાઈ છે અને વિદ્યાર્થીઓનો ટાર્ગેટ સ્કોર તૂટયો છે.
આ વર્ષે દેશમાં 14 વિદ્યાર્થીઓે 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જેમાં સૌથી વધુ ચાર વિદ્યાર્થી મહારાષ્ટ્રના છે અને તેલંગાણાના બે વિદ્યાર્થી છે જ્યારે દિલ્હી, આંધ્રપ્રદેશ, કેરળ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતનો એક-એક વિદ્યાર્થી છે. આ તમામે 14 વિદ્યાર્થીઓ પુરુષો છે. ટોપર્સમાં એક પણ વિદ્યાર્થિની નથી. જ્યારે દેશમાં 29 વિદ્યાર્થીએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે અને જેમાં ગુજરાતમાંથી એક પણ વિદ્યાર્થી નથી. આ 29 વિદ્યાર્થીમાંથી સૌથી વધુ 9 મહારાષ્ટ્રના અને ત્યારબાદ 4 વિદ્યાર્થી કર્ણાટકના છે. આ 29 ટોપર્સમાં માત્ર એક જ યુવતી છે ,જ્યારે જ્યારે બાકીના તમામ 28 યુવકો છે. આ ઉપરાંત 99.98 પર્સેન્ટાઈલ મેળવનારા દેશના 29 વિદ્યાર્થીઓમાં ગુજરાતનો એક માત્ર વિદ્યાર્થી છે. જ્યારે સૌથી વધુ 8 મહારાષ્ટ્રના અને રાજસ્થાના તથા તેલંગાણાના 3-3 વિદ્યાર્થી છે. આ 29 વિદ્યાર્થીમાં પણ તમામ યુવકો છે. આમ આ વર્ષે જ્યાં સમગ્ર દેશના ટોપર્સમાં યુવતીઓ નહીવત રહી છે ત્યારે ગુજરાતના ટોપર્સમાં પણ યુવતીઓ ખૂબ જ ઓછી છે. અમદાવાદનો યુવક 100 પર્સન્ટાઈલ સાથે ગુજરાતમાં પ્રથમ રહ્યો છે અને અમદાવાદનો વિદ્યાર્થી અભિષેક બારૈયા 99.98 પર્સેન્ટાઈલ સાથે અમદાવાદમાં પ્રથમ અને ગુજરાતમાં બીજા નંબરે રહ્યો છે.
આ વર્ષે કેટ પરીક્ષામાં છેલ્લા કેટલાક વર્ષનું સૌથી અઘરુ પેપર રહ્યુ હતુ. કુલ 198 માર્કની પરીક્ષામાં વર્બલના 24 પ્રશ્નો, ડીએલઆરઆઈના 20 અને ક્વોન્ટ (મેથ્સ)ના 22 પ્રશ્નો હતા. જેમાં 66 માર્કસના મેથ્સના પ્રશ્નો ખૂબ જ અઘરા રહ્યા હતા અને જેમાં ટોપર્સ ટાર્ગેટ સ્કોર કરી શક્યા નથી. પરંતુ ઓછા સ્કોરે પણ વધુ પર્સેન્ટાઈલ મળ્યા છે. અમદાવાદ સીટી ટોપર સ્ટુડન્ટ અભિષેકે માત્ર 114.56 માર્કસ મેળવીને 99.98 પર્સેન્ટાઈલ મેળવ્યા છે જ્યારે મેથ્સમાં માત્ર 28.28 માર્કસ જ છે. ઘણા વિદ્યાર્થીઓને 100થી ઓછો સ્કોર છતાં પણ 99થી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
ગુજરાતના કેટ ટોપર્સમાં આ વર્ષે પણ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થી વધારે છે.મોટા ભાગના વિદ્યાર્થીઓ અને લગભગ 80 ટકાથી વધુ વિદ્યાર્થીઓ બી.ઈ-બી.ટેકના છે. જ્યારે માત્ર 20 ટકા જેટલા જ બી.એ,બી.કોમ,બીએસસી અને બીબીએ-બીસીએના છે.સમગ્ર દેશમાં 99.98થી લઈને 100 પર્સન્ટાઈલ ધરાવતા કુલ 72 ટોપર્સ વિદ્યાર્થીઓમાં 53 એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા અને માત્ર માત્ર 19 જ અન્ય કોર્સમાંથી આવતા વિદ્યાર્થી છે. 99.98 પર્સેન્ટાઈલ સાથે અમદાવાદમાં પ્રથમ આવનાર અને ગુજરાતમાં બીજા નંબરે આવનાર વિદ્યાર્થી અભિષેક બારૈયા બી.ટેકનો સ્ટુડન્ટ છે અને ટોપ-4માં 99.83 પર્સન્ટાઈલ સાથે એક વિદ્યાર્થી બીબીએનો છે.