અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ગઈકાલે (27 જાન્યુઆરી) શિક્ષકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. કે. પી. શાહ સ્કૂલમાં ફરજ બજાવતા 40 વર્ષીય નરેશ ચાવડા પર સોમવારે સવારે માંડલ રોડ સ્થિત પેટ્રોલ પંપ નજીક કારમાં આવેલા ત્રણ શખસે જીવલેણ હુમલો કર્યો હતો. એક બાદ એક ત્રણેય શખસ કારમાંથી લાકડાના દંડા-ધોકા કાઢીને શિક્ષક પર ફરી વળ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
મૃતકના પિતરાઈ ભાઈએ ત્રણ સામે ફરિયાદ નોંધાવી સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ ખાતે રહેતા નનુભાઈ ચાવડાએ વિરમગામ પોલીસ સ્ટેશનમાં કલા ગોહિલ, અજિત ગોહિલ અને જેશંગ કટારિયા વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. ફરિયાદી નનુભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમનો પિતરાઇ ભાઈ નરેશ વિરમગામની કે. બી. શાહ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. નરેશના હાસલપુર ખાતે રહેતી અલકા સાથે લગ્ન થયા હતા. ગઇકાલે નનુભાઈ ઘરે હાજર હતા ત્યારે તેમના સંબંધી જગદીશનો ફોન આવ્યો હતો અને કહ્યુ હતું કે નરેશ પર જીવલેણ હુમલો થયો છે.
નરેશ જ્યારે પોતાનું એક્ટિવા લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે એક કારમાં ત્રણ જણા આવ્યા હતા અને નરેશ પર લાકડી-સળિયાથી હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં નરેશને તાત્કાલિક અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું છે. આ સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અજિત અને કલા ગોહિલ શંખેશ્વરમાં હોટલ તેમજ પેટ્રોલપંપમાં ભાગીદાર છે.
આ મામલે અમદાવાદ ડીએસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે કાલે વિરમગામ ટાઉનમાં લક્ષ્મી પેટ્રોલ પંપ સાસે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં પ્રાઇમરી સ્કૂલના શિક્ષક નરેશ ચાવડાની ત્રણ શખસે હત્યા કરી છે. આ ત્રણેયની ઓળખ થઈ ગઈ છે. આરોપીને ઝડપી પાડવા માટે એલસીબી, ઓસઓજી સહિતની ટીમ કામે લાગી છે. મૃતક નરેશ છેલ્લા સાત-આઠ મહિનાથી એક પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધમાં હતો અને બન્ને મૈત્રી કરાર કરીને જોડે રહેતાં હતાં. વિરમગામમાં ભાડૂઆત તરીકે બન્ને રહેતાં હતાં. આ વાતનું મનદુખ રાખીને મહિલાના પતિએ અને તેના એક પેટ્રોલ પંપના પાર્ટનર અને એક સંબંધી એમ ત્રણેયે મળીને નરેશનું મર્ડર કર્યું હતું. આ ત્રણેય શખસ બલેનો કાર લઈને આવ્યા હતા અને લાકડી-લોખંડના સળિયા વડે નરેશ ઉપર હુમલો કર્યો હતો. ત્રણેય શંખેશ્વર પાટણના રહેવાસી છે. મૃતક સુરેન્દ્રનગરના પાટડી જિલ્લાનો છે અને અહીં વિરમગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક નરેશની દીકરી અને નરેશભાઈની સાથે લિવ-ઈનમાં રહેતી પરિણીતાના દીકરાની દોઢેક વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. આ સંબંધના આધારે નરેશ અને મહિલા પરિચયમાં આવ્યાં હતાં. પછીં બન્ને વચ્ચે (વેવાણ-વેવાઈ) પ્રેમસંબંધ થતાં સાત-આઠ મહિનાથી લિવ-ઈનમાં રહેતાં હતાં. હાલમાં અમે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છીએ. આરોપી ઝડપાયા બાદ પૂછપરછમાં વધુ વિગતો સામે આવી શકે છે.