ચોકાવનારી ઘટના : કારમાં હેંડ સેનિટાઈઝરથી ભભૂકી આગ, NCP નેતા કારમાં જ થઈ ગયા ભળથું

મહારાષ્ટ્રમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એનસીપીના નેતા સંજય શિંદેનું મોત નીપજ્યું છે. તેમની કારમાં હેન્ડ સેનિટાઇઝરના કારણે આગ લાગી હતી. આ સમયે તેઓ કારમાંથી બહાર નીકળી ન શક્યા અને જીવતાં ભળથું થઈ ગયા હતા. જાણવા મળ્યાનુસાર તેમની કારમાં શોર્ટ સર્કિટ થયું હતું અને તેમાં હેન્ડ સેનિટાઇઝર હોવાથી તેમાં આગ ફેલાઇ હતી. સંજય શિંદેની કારમાં આગ લાગી ત્યારે તેઓ મુંબઇ-આગ્રા હાઇવે પર આવેલા ટોલ પ્લાઝા નજીક હતા. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

જ્યારે એનસીપી નેતા સંજય શિંદેની કારમાં આગ લાગી ત્યારે તેમણે દરવાજો ખોલવાનો અને બારી તોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ કારમાં સેન્ટ્રલ લોકના કારણે તે તાત્કાલિક દરવાજો ખોલી શક્યા નહીં અને અંદર ગંભીર રીતે દાઝી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવારે બપોરે ટોલ પ્લાઝા નજીક ત્યારે બની હતી. ત્યારે સંજય શિંદે જંતુનાશકો ખરીદવા જઇ રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે તેમની કારમાં આગ લાગી હતી.

પોલીસના જણાવ્યા મુજબ કારમાં આગ લાગ્યા બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને સંજય શિંદેને અંદરથી બચાવવાનો પ્રયાસ કર્યો અને ફાયર બ્રિગેડને પણ બોલાવી હતી પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું.