મોરબીમાં સિરામિક બિઝનેસમેન અજય ગોપાણીની Kia કાર અચાનક ભડભડ સળગતા તેઓ કારમાં જ ભડથું થઈ ગયા હતા. લીલાપર કેનાલ રોડ પરથી તેઓ પસાર થતા હતા તે દરમિયાન કોઈ ટેકનિકલ કારણોસર ગાડીમાં આગ લાગી હતી. જોતજોતામાં જ આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા જ કારના દરવાજા લોક થઈ જતા તેમણે બહાર ના નીકળી શક્યા. પરિણામે તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
મોરબીમાં રવાપર પાસે રહેતા અને મોરબી નજીક એક્સપર્ટ સિરામિક નામનું કારખાનું ધરાવતા અજય નાનજીભાઈ ગોપાણી (ઉ.39) નામનો યુવાન કિયા કંપનીની ગાડી નંબર જીજે 36 એસી 4971 લઈને લીલાપર કેનાલ રોડ પરથી બપોરના 1:00 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર તેમની ગાડીમાં આગ લાગી હતી.
આગ લાગવાની જાણ થતા જ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. આ અંગે મોરબી એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને આ બનાવની જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે યુવાન પોતાની ગાડી લઈને ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તે દિશામાં હવે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
મોરબી પાલિકાના ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગાડીમાં આગ લાગવાથી એક યુવાનનું મોત નીપજયું છે અને આગ કાબૂમાં આવ્યા પછી તુરંત જ ગાડીમાંથી મૃતક યુવાનની લાશને બહાર કાઢી હતી. ગાડીમાંથી એક થેલો મળ્યો છે જેમાંથી રોકડા રૂપિયા પાંચ લાખ, એક પિસ્તોલ, આઠ મોબાઈલ અને એક ઘડિયાળ મળી આવી છે. જે તમામ મુદ્દામાલ મૃતક યુવાનના કૌટુંબિક ભાઈને સ્થળ ઉપર જ પોલીસની હાજરીમાં આપવામાં આવ્યા હતા.