ભોપાલ,મધ્યપ્રદેશના બરમાન-સગરી નેશનલ હાઈવે-૪૪ પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં મહંત કનક બિહારી મહારાજનું નિધન થયું છે. બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે કાર ડિવાઇડર સાથે અથડાઇને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણમાંથી બેના મોત થયા હતા. ડ્રાઈવર રૂપલાલને ગંભીર ઈજાઓ થઈ છે, તેમને નરસિંહપુરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
મહંત કનક બિહારી દાસ મહારાજ ઉત્તર પ્રદેશના અયોધ્યા માં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે એક કરોડથી વધુનું દાન આપીને ચર્ચામાં આવ્યા હતા. રઘુવંશ શિરોમણી ૧૦૦૮ મહંત કનક બિહારી દાસને પણ રઘુવંશી સમાજના રાષ્ટ્રીય સંત તરીકે ઓળખવામાં આવતા હતા.
મહારાજનો આશ્રમ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં નોનીમાં ખાતે આવેલો છે. કનકજી મહારાજ યુપીના પ્રયાગરાજથી છિંદવાડા પાછા જઈ રહ્યા હતા. આ દરમિયાન બરમાન સગરી નેશનલ હાઈવે ૪૪ પર માર્ગ અકસ્માતમાં મહંત કનક બિહારી મહારાજનું નિધન થયું છે. મહારાજ રામ મંદિરમાં શરૂ થનારા યજ્ઞની તૈયારીમાં વ્યસ્ત હતા.
રઘુવંશી સમાજના નરસિંહપુર જિલ્લા અધ્યક્ષ રાજકુમાર રઘુવંશીએ જણાવ્યું કે મહંત કનક મહારાજજીએ રામ મંદિર માટે ૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું અને ૯ કુંડીય યજ્ઞ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪થી અયોધ્યામાં થવાનો હતો. તેની તૈયારી માટે મહારાજજી રઘુવંશી સમાજના તમામ ગામોમાં જઈ રહ્યા હતા.
સોમવારે જ્યારે તેઓ ગુનાથી છિંદવાડા પાછા જઈ રહ્યા હતા ત્યારે મોટરસાઈકલને બચાવવા જતા તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મહારાજજીએ જીવ ગુમાવ્યો હતો. ભગવાન શ્રી રામની ભક્તિમાં મગ્ન મહંત કનક બિહારી દાસજી મહારાજ ૨૦૨૪ના ફેબ્રુઆરી મહિનામાં શ્રીરામ મહાયજ્ઞ કરવા જઈ રહ્યા હતા. તેની તૈયારીઓ માટે જ નરસિંહપુર ગયા હતા. પરત ફરતી વખતે તેઓ આ અકસ્માતનો શિકાર બન્યા હતા. તેમના નિધન બાદ છિંદવાડામાં રહેતા અનેક ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રામ મંદિર બરમાન મહંત સીતારામ દાસ મહારાજે જણાવ્યું હતું કે મહંત કનક બિહારી મહારાજ સમાજના વિભૂતિ હતા. તેમનું જવું એ સાધુ સમાજ માટે મોટી ખોટ છે. તેઓ અયોધ્યામાં યોજાનાર યજ્ઞની તૈયારીમાં વ્યસ્ત હતા. પરંતુ એક માર્ગ અકસ્માતમાં તેમના મૃત્યુથી ભક્તોમાં ભારે દુ:ખની લાગણી ફેલાઈ છે.