સુરત : આઇટીએ કેપિટલ ગેઇન ટેક્સ બાબતે નોટિસો પાઠવવાની શરૂઆત કરી છે. પાછલા વર્ષોમાં કરાદાતાઓએ જમીન-મકાનના જે સોદા કર્યા છે તેમાં કેપિટલ ગેઇન ટેક્સની ઉઘરાણી માટે જવાબ મંગાયા છે. સમગ્ર રાજ્યના સોદાઓની યાદી પહોંચી છે. ખાસ કરીને ૫૦ લાખથી વધુના વ્યવહારો પર નજર છે. રાજ્યમાં આવા ૨૫ હજાર કરોડથી વધુના સોદા થયા છે. કરદાતાઓ પાસે સ્ક્રુટિની નોટિસનો જવાબ ૩૦ જૂન સુધી મંગાયો છે. સી.એ. તિનિશ મોદી કહે છે કે હજુ વધુ નોટિસો આવશે. સ્ક્રુટિનીમાં આ સિવાય પણ બીજી ઘણી બાબતો છે.
સ્ક્રુટિની નોટિસો નિકળવાની શરૂઆત થતા જ સમગ્ર રાજયમાં હાલ હજારો કરદાતાઓ પાસે નોટિસો પહોંચી ગઈ છે. ફેસલેશ સિસ્ટમમાં કરદાતાઓ નોટિસનો જવાબ ઓનલાઇન જ આપવાનો હોય છે. સ્ટેમ્પ ડયૂટી વિભાગ પાસેથી એસેસમેન્ટ ઇયર ૨૦૨૨-૨૩ના વ્યવહારો આઇટી દ્વારા માગવામાં આવ્યા હતા, જે ડેટામાંથી શંકાસ્પદ વ્યવહારો કે અવ્યવહારુ લાગતા સોદાઓ મળ્યા હતા તે અંગે હાલમાં નોટિસો કાઢવામાં આવી છે.
સામાન્ય રીતે આઇટી પાસે સ્ટેમ્પ ડયૂટી વિભાગમાંથી ૩૦ લાખથી વધુના જે દસ્તાવેજ થયા હોય તેની વિગતો પહોંચતી હોય છે. આ સોદાઓમાથી રેન્ડમલી કેસ સ્ક્રુટિનીમાં સિલેક્ટ થતા હોય છે. ફેસલેશ સિસ્ટમમાં જ્યારે એસેસમેન્ટ થતા હોય ત્યારે સામે અધિકારી કોણ છે અને કયા શહેરનો છે એ પણ જાણી શકાતું નથી.
સી.એ. બિરજુ શાહ અને પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે ‘હાલ જે નોટિસો નિકળી છે તે પ્રાથમિક છે. અંદાજે ૧૫ દિવસ બાદ બીજી નોટિસો નિકળશે જેમાં સવાલો પણ હશે. જેમકે જમીનોના સોદાની નોટિસો હશે તો સોદા અંગેના સવાલો હશે અને તેના પુરાવા સાથે જવાબો આપવાના રહેશે. જે કંઇ પણ ખુલાસા આઇટી અધિકારી સમક્ષ કરાઈ તેનો ઓર્ડર ૩૧ ડિસેમ્બર પહેલાં આવી જશે.