કેનેડાથી મોહભંગ : મોંઘવારી, નોકરી, મકાનોની અછત, ગુજરાતીઓમાં વતન વાપસીનો ગ્રાફ વધ્યો

નોકરીઓની વ્યાપકપણે અછત, રહેવાની સમસ્યા, ઓછી આવક સામે વધુ ખર્ચ હવે ભારતથી કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને રિવર્સ માઈગ્રેશન (પાછા આવવા) માટે મજબૂર કરી રહ્યો છે. દર વર્ષે ભારતમાંથી એક લાખ જેટલાં વિદ્યાથીઓ કેનેડા જતા હોય છે પરંતુ આ વર્ષે કેનેડા જવા કરતાં કેનેડાથી પાછા આવવાનો ધસારો મોટા પાયે જોઈ શકાય છે.

હાલ તો સાવ મશીન જેવા થઈ ગયા છીએ. જેવું વીડિયોમાં જોયું હતું એવું જ કેનેડા છે પરંતુ વધુ ઊંડા ઊતરીએ તો અહીંનું જીવન ખૂબ જ સંઘર્ષ ભર્યું છે. નોકરીઓ છે નહીં અને રહેવા- જમવાના સામાન્ય ખર્ચ પણ વધારે મોંઘા છે. આવી સ્થિતિમાં અહીં રહેવું ખૂબ કપરું છે. એક નાનકડી નોકરી માટે પણ સવારથી યુવાનોની લાંબી લાઈનો લાગેલી હોય છે. એમાંય માંડ ચાર-પાંચ જણાને કામ મળે છે.’ આમ પોતાની આપવીતી જણાવતા યુવાન આગળ વાત કરે છે કે તમે અહીંની જમીન પર ઉતરો પછી તમને ખબર પડે છે કે તમારે રહેવાનું ક્યાં છે ? ભણવાનું ક્યાં છે ? કામચલાઉ રીતે કોઈ મોલના એક રૂમમાં ચાલતી દુકાન જેવી કોલેજોમાં હાજરીનું કોઈ મહત્ત્વ નથી હોતું પરંતુ તેની સામે કામ મળવું અહીં ખૂબ મુશ્કેલ છે.

કેનેડાની સરકાર પાસે કામ અને મકાન એમ બંનેની અછત છે. કેનેડિયન સરકારી આંકડા પ્રમાણે અહીં રહેતા લોકોની જરુરિયાત અનુસાર ૩,૪૫,૦૦૦ ઘર ઓછા છે. આ અછત ભરપાઈ થતાં વાર લાગશે એવું જણવતા વિદ્યાર્થી જણાવે છે કે અમે અહીં જ્યારે આવ્યા ત્યારે એજન્ટ દ્વારા સેલરમાં રહેવા માટે કહેવામાં આવ્યું. એક સેલરમાં એક વિદ્યાર્થીને માંડ છ બાય છની જગ્યા મળે. મિત્રોની અંદર અંદરની કોમ્પિટિશનમાં હું કેનેડા જવાનો ભોગ બન્યો હોઉં એવું લાગે છે. પચ્ચીસ ત્રીસ લાખનું આંધણ કરીને આવ્યા પછી આ પૈસા વસૂલ ના કરીએ ત્યાં સુધી કેવી રીતે જઈ શકાય? 

ભારતમાંથી સૌથી વધુ માઈગ્રેશન પંજાબમાંથી થાય છે અને એ પછી ગુજરાત, કેરળ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. ઘરેથી ફોન આવે ત્યારે મોટા ભાગના ઘરના ચિંતા ના કરે એ માટે બધુ ઠીક-ઠાક છે એવો જ જવાબ આપતા જોવા મળે છે. પરંતુ રોજબરોજની નોકરીની તલાશ અને સંઘર્ષ અહીં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સામાન્ય બાબત બની ગઈ છે. આ અંગે વાત કરતાં એક એજન્ટ જણાવે છે કે ઘણાં પૂરતા પૈસા કમાઈને પણ ઘણાં પાછા આવી રહ્યા છે. 

ઘણીવાર તમે બહારના હોવ એવું તો ફીલ થાય જ અને એ વાતને કારણે પર્યાપ્ત ધનરાશી કમાઈને પણ ઘણાં પાછા આવી રહ્યા છે. દર વર્ષે ભારતમાંથી આશરે અઢી લાખ જેટલાં યુવાનો કેનેડા જાય છે અને તેમાં ગુજરાતનો નંબર બીજો છે. પંજાબમાંથી આશરે એકાદ લાખ યુવાનો કેનેડાની વાટ પકડે છે જેની સામે ગુજરાતમાંથી દર વર્ષે પચાસ હજાર જેટલા યુવાનો કેનેડા જાય છે. હાલમાં કેનેડાની સરકારે જ ત્યાં ઓછા ઘર હોવાનું સ્વીકાર્યું હોવાથી રહેવાનું ઘણું મોંધુ થયું છે. સતત વિદ્યાર્થીઓ આવતા હોવાથી ત્યાં નોકરીઓની પણ અછત ઊભી થઈ છે. ૨૦૨૩માં કેનેડામાં ૧૦,૪૦,૯૮૫ વિદ્યાર્થીઓ ભણતા હતાં જેમાં સીધો ૩૦ ટકાનો વધારો થયો છે. જેમાંથી ૪,૮૭,૦૦૦ વિદ્યાર્થીઓ ભારતમાંથી છે.