કેનેડા અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની અલ્ગોમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સત્તાવાળાઓ સામે પ્રવેશ પ્રક્રિયામાં અને ગ્રેડિંગ આપવામાં ગેરરીતિ આચરવાનો આક્ષેપ કર્યો છે. આ વિદ્યાર્થીઓ હાલમાં હાડ ગાળી દેતી કડકડતી ઠંડીમાં યુનિવર્સિટીના સત્તાવાળાઓ વિરુદ્ધ દેખાવો યોજી રહ્યાં છે. યુનિવર્સિટી દ્વારા આ વિદ્યાર્થીઓ પર છેતરપિંડીનો આક્ષેપ કરી તેમને પરીક્ષામાં નાપાસ કરાયા છે.
આઈટી શાખાના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા આ વિરોધ પ્રદર્શનને અન્ય શાખાના વિદ્યાર્થીઓએ પણ સમર્થન આપતાં કેનેડાની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની નીતિમાં રહેલી સમસ્યા અંગે લોકોનું ધ્યાન ખેંચાયું છે. માઈનસથી નીચે તાપમાનમાં 80થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના સહયોગીઓએ બેનર અને પ્લેકાર્ડ્સ સાથે દેખાવો કર્યાં હતાં. જેમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓને છેતરવાનું બંધ કરો, શિક્ષણ વેચવા માટે નથી. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારી સિમનર કૌર નામની એક વિદ્યાર્થિનીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમે પરીક્ષામાં પાસ થવા માટે આ દેખાવો નથી કરી રહ્યાં. આવી ઠંડીમાં અભ્યાસ છોડીને ઉભાં રહેવું અમને નથી ગમતું. સિમરને અલ્ગોમા યુનિવર્સિટીમાં હ્યુમન રિસોર્સિસ અને બિઝનેસ મેનેજમેન્ટના બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો હતો, જોકે તે મેનેજમેન્ટ કોર્સમાં નાપાસ થઈ હતી.કેનેડામાં તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ભારે ધસારાને પગલે આ વિરોધ પ્રદર્શને અહીંની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અંગેની નીતિ અને તેની અસરકારકતા તરફ ધ્યાન ખેંચ્યુ છે. ન્યાય માટેની વિદ્યાર્થીઓએ કરેલી માગ કેનેડિયન શિક્ષણ પદ્ધતિમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પડી રહેલી સમસ્યાઓને ઉજાગર કરે છે. વિરોધના પગલે અલ્ગોમા યુનિવર્સિટીને તાત્કાલિક સમીક્ષા હાથ ધરવાની ફરજ પડી હતી અને તેણે વધુ 61 વિદ્યાર્થીઓને પાસ કર્યાં હતાં. જ્યારે બાકીના 32 વિદ્યાર્થીઓને વધુ એક પરીક્ષા આપવાની, સ્ટડી મટીરિયલ તથા મફત ટ્યુશન આપવા સહિતની ઓફર અપાઈ હતી.