કેનેડાની સરકારે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

કેનેડાની સરકારે ઈરાનને મોટો ઝટકો આપ્યો છે અને તેની સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ સંસ્થા ’ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ડોમિનિક લેબ્લેક્ધે સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી. એક અખબારી યાદીમાં, કેનેડા સરકારે કહ્યું કે ’ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના તથ્યો અને કાર્યવાહીના આધારે, એવું માનવા માટેનું કારણ છે કે ઈરાનની સૈન્ય આતંકવાદી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. તે જાણીજોઈને કોઈની સાથે મળીને અથવા કોઈની સૂચના પર આતંકવાદી ગતિવિધિઓ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આઇઆરજીસીને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવે છે.

કેનેડા સરકારનું કહેવું છે કે ક્રિમિનલ કોડ હેઠળ આઈઆરજીસીને આતંકવાદી સંગઠન જાહેર કરીને કેનેડા એક મજબૂત સંદેશ આપશે કે કેનેડા સરકાર આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે દરેક સાધનનો ઉપયોગ કરશે. કેનેડાએ એમ પણ કહ્યું કે ઈરાનની સેનાના આતંકવાદી સંગઠનો હિઝબુલ્લાહ અને હમાસ સાથે પણ સંબંધ છે. કેનેડાએ કહ્યું કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો અર્થ એ થશે કે કેનેડિયન નાણાકીય સંસ્થાઓ જેમ કે બેંકો અને બ્રોકરેજ ફર્મ્સ વગેરે આઇઆરસીજી સંબંધિત સંપત્તિઓ જપ્ત કરશે. ઉપરાંત,આઇઆરજીસી સાથે કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાના કોઈપણ કરાર અથવા સંબંધને ગુનો ગણવામાં આવશે.

કેનેડાએ ઈરાનની સૈન્ય સંસ્થા ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ પર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત વ્યવસ્થાને અસ્થિર કરવા માગે છે. કેનેડાએ કહ્યું કે આઇઆરજીસી પરના પ્રતિબંધો સ્પષ્ટ કરે છે કે કેનેડા સરકાર ઈરાનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કોઈ દયા નહીં બતાવે. અમારી સરકાર હમેંશા માનવાધિકારની સમર્થક રહી છે અને કેનેડામાં કે વિશ્વમાં ક્યાંય પણ માનવાધિકાર વિરુદ્ધ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઈરાનની સેનાનો એક ભાગ આઇઆરજીસી સીધો ઈરાનના સુપ્રીમ લીડરને રિપોર્ટ કરે છે.

Don`t copy text!