
સુરત,
પાર્લે પોઇન્ટ પર રહેતી અને મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતી ૪૫ વર્ષીય મહિલા પ્રોફેસર પર સામેથી પ્રકાશ પાટીલનો કોલ આવ્યો હતો. વર્ષ ૨૦૨૧માં આ લેભાગુ એજન્ટે વિદેશ જવા માટે કન્સલ્ટન્સી શરૂ કરી હોવાની વાત કરી હતી. જે કોઈને ઈચ્છા હોય તો જણાવજો, વાત વાતમાં મહિલા પ્રોફેસરે પોતે ૧૨ વર્ષના દીકરા સાથે કેનેડા જવાની વાત કરી હતી. આથી લેભાગુ એજન્ટ પ્રકાશે કેનેડાના પીઆર (પરમેનન્ટ રેસિડન્સ) કઢાવી આપવાની વાત કરી વિવિધ ચાર્જ પેટે ટુકડે ટુકડે કરી ૧૬.૫૮ લાખ પડાવ્યા હતા.
બાદ ધમકી આપી કે અમારી પાસેથી પૈસા માંગશો તો હું મરી જઈશ અને તમારૂ નામ લખીને તમને ફસાવી દઈશ, આથી મહિલા પ્રોફેસરે કોલ કરવાના બંધ કરી દીધા હતા.લેભાગુ એજન્ટે મહિલાને ૨.૩૮ લાખ પરત કરી બાકીના ૧૪.૨૦ લાખ ઓહ્યા કરી ગયો હતો. લાખોની રકમ ન આપતા મહિલા પ્રોફેસરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી. મહિલા પ્રોફેસરનો પતિ બેંગ્લોરમાં ઈસરોમાં સિનિયર સાયન્ટીસ્ટ છે. આરોપી અમદાવાદમાં શાદી.કોમમાં નોકરી કરતો હતો. સાઇબર ક્રાઇમ પોલીસે પ્રકાશ શિવચંદ્ર પાટીલ(૨૭)(રહે.વાલ, અમદાવાદ) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.