અમદાવાદ, વાડજના એક રહેવાસીને કેનેડાના પીઆર અપાવવાની લાલચ આપીને ૨૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા ત્રણ શખ્સો સામે ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે વાડજના રહેવાસી ઈન્દ્રવદન પટેલે અનિત પટેલ, વિહાર પટેલ અને અનેરી પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ ગાંધીનગરના કુડાસણ ખાતે ઉમીયા ઓવરસીસ ફર્મ ધરાવે છે. ઈન્દ્રવદન પટેલની ફરિયાદ મુજબ તેમના દિકરાને કેનેડાના પીઆર અપાવવાની લાલચ આપીને આરોપીઓએ ૨૫ લાખ રૂપિયા લીધા હતા.વધુમાં તેમણે કહ્યું હતું કે ૨૦૦૧ના વર્ષમાં તેઓ આ ત્રણેય આરોપીને મળ્યા હતા. તેમના ૨૩ વર્ષના પુત્ર કુંજને કેનેડાના પીઆર જોઈતા હતા. જેમાં આરોપીઓએ પ્રોસેસ ફી પેટે ૬૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાંથી ૨૫ લાખ રૂપિયા પહેલા આપવા પડશે, એમ કહ્યું હતું.
ફરિયાદી ઈન્દ્રવદન પટેલે પહેલા પાંચ અને બાદમાં ૨૦ એમ ૨૫ લાખ રૂપિયા બે હપ્તામાં આરોપીઓને ચુકવ્યા હતા. જોકે આરોપીઓએ પીઆર માટેની કોઈ પ્રોસેસ કરી ન હતી ત્યારબાદ ઈન્દ્રવદન પટેલે તેમના દિકરા કુંજને અન્ય એક એજન્સી મારફતે ફેબ્રુઆરી ૨૦૨૩માં વિઝીટર વિઝા પર કેનેડા મોકલ્યો હતો.બીજીતરફ આરોપીઓએ કોઈ પ્રોસેસ કરી ન હતી કે ઈન્દ્રવદનભાઈને નાંણાં પણ પરત કર્યા ન હતા.. જેને પગલે તેમણે ત્રણેય આરોપી વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.