ટોરોન્ટો-સેન્ટ પોલ ડિસ્ટ્રિક્ટ માટે યોજાયેલી વિશેષ ચૂંટણીમાં કેનેડાના સત્તાધારી લિબરલ પક્ષને જોરદાર ફટકો પડ્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી જાળવી રાખેલી બેઠક આ ચૂંટણીમાં તેમણે ગુમાવી દીધી છે. આ અણધાર્યા પરાજયથી ટૂડોની નેતાગીરી સામે સવાલ ઊભા થયા છે અને આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં તેની વિપરીત અસર પડશે એવું માનવામાં આવી રહ્યું છે. ટોરોન્ટો-સેંટ પોલમાં વિપક્ષ કન્ઝર્વેટીવ ઉમેદવારે લગભગ છસો મતથી વિજય મેળવ્યો હતો. તેણે ૪૨.૧ ટકા મત મેળવ્યા હતા જ્યારે લિબરલ ઉમેદવારે ૪૦.૫ ટકા મત મેળવ્યા હતા. ટોરોન્ટો-સેંટ પોલની બેઠક છેક ૧૯૯૩થી સત્તાધારી લિબરલ પક્ષના કબજામાં હતી. લિબરલ પક્ષના ગઢ ગણાતા કેનેડાના સૌથી મોટા શહેરમાં પરાજય મળતા ટૂડો માટે ૨૦૨૫ની ચૂંટણીમાં સમસ્યા ઊભી થાય તેવા એંધાણ વ્યક્ત થઈ રહ્યા છે.
કેનેડીયન ઈતિહાસકાર રોબર્ટ બોથવેલના મતે આ પરાજયથી પક્ષમાં જસ્ટિનની સ્થિતિ ચોક્કસ નબળી પડશે. અત્યાર સુધી લિબરલ પક્ષના કેટલાક નેતાઓ ચૂપચાપ પક્ષ છોડીને ગયા હતા પણ હવે તેઓ વિરોધ કરવાનું પસંદ કરશે. ટોરોન્ટોની ચૂંટણીમાં લિબરલ પક્ષે તીવ્ર પ્રયાસ કર્યા હતા જેમાં તેમણે ઓટાવાથી મંત્રીઓ અને સ્ટાફને પ્રચાર માટે મોકલ્યા હતા. ટૂડોએ આગામી ચૂંટણીમાં પક્ષનાનેતા બનવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. ૨૦૧૫થી લિબરલ પક્ષની સત્તા હોવા છતાં મોંઘવારી અને વધતા ફુગાવાના મુદ્દે તેઓ સંઘર્ષ કરતા નજરે પડ્યા હતા.
કન્ઝર્વેટીવ પક્ષના ઉમેદવારે જણાવ્યું કે મતદારોએ ટૂડોને આ ચૂંટણી દ્વારા તેઓ પરિવર્તન ઝંખી રહ્યા હોવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ટૂડોએ ૨૦૧૫માં લગભગ એક દાયકાના કન્ઝર્વેટીવ શાસનને સમાપ્ત કરી લિબરલ ઓળખ સ્થાપી હતી. તેમની નોંધપાત્ર સિદ્ધિઓમાં ઈમિગ્રેશન સુધારા, કેનેબિસને કાયદેસર બનાવવું અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા કાર્બન ટેક્સના અમલીકરણને ગણાવી શકાય. ટૂડોના પિતા પીઅર ટૂડો ૧૯૬૮ની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી લગભગ ૧૬ વર્ષ શાસન કર્યું હતું.