કેનેડા માટે ચીન પછી ભારત બીજો સૌથી વધુ જોખમી દેશ: જસ્ટિન ટૂડો

ભારત સાથે છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહેલા ખટરાગ વચ્ચે કેનેડાએ ભારતને પોતાના દેશ માટે બીજો સૌથી વધુ જોખમી દેશ ગણાવ્યો છે. કેનેડિયન સંસદની એક ઉચ્ચસ્તરીય પેનલ દ્વારા જારી કરાયેલા તાજેતરના અહેવાલમાં તેમના દેશ માટે સૌથી જોખમી દેશોની યાદીમાં ચીન પહેલા ક્રમે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડુએ આ મામલે જણાવ્યું હતું કે, તેમની સરકાર વિદેશી હસ્તક્ષેપની બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે.

બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોએ સતત ત્રીજી વખત ચૂંટાઈ આવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન. માનવ અધિકારો, ડાયવસટી તથા કાયદા આધારિત શાસન પર આધારિત સંબંધોને આગળ ધપાવવા માટે કેનેડા ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર સાથે મળીને કામ કરવા તૈયાર છે.

કેનેડિયન સંસદીય પેનલના રિપોર્ટમાં ભારતને સૌથી જોખમી દેશોની યાદીમાં બીજા ક્રમે દર્શાવવાને કારણે બંને દેશોના સંબંધો વધુ વણસવાની શક્યતાઓ છે. આ અહેવાલ એવા સમયે જારી કરાયો છે, જ્યારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના કેનેડાના આક્ષેપ બાદ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યંત તણાવપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે કેનેડાની ધરતી પર ભારતીય એજન્ટોએ નિજ્જરની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાના આરોપોને લઈને કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આતંકવાદી તરીકે જાહેર કરાયેલા હરદીપ સિંહ નિજ્જરની ગયા વર્ષે કેનેડાના એક ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.