કેનેડામાં વિદેશી કામદારોની નોકરી પર સંકટ, ટૂડોના નિર્ણયની ભારતીયો પર પણ મોટી અસર

કેનેડામાં ચૂંટણી નજીક આવતા જ વડાપ્રધાન જસ્ટિન ટૂડો ઘણા નિર્ણય લઈ રહ્યા છે, જેમનો એક નિર્યણ ભારતીયો પર મોટી અસર કરશે. ટૂડોએ કેનેડામાં કામચલાઉ નોકરી કરતા વિદેશીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે. જેના લીધે ઓછા પગાર પર કામ કરતા અને દેશમાં કામચલાઉ નોકરી કરતા લાખો વિદેશીઓ પર અસર થશે, જેમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ છે. ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસની સાથે સાથે નાની-નાની નોકરીઓ પણ કરે છે. ચૂંટણી નિષ્ણાતોનું કહેવું છે કે ટૂડોના આ નિર્ણયથી પ્રવાસીઓ અને યુવાનોમાં બેરોજગારી વધશે.

જસ્ટિન ટૂડો એકસ પર પોસ્ટ કરી છે કે, ’ લેબર માર્કેટ બદલાઈ ગયું છે. અમે કેનેડામાં ઓછા વેતનના કામચલાઉ વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા જઈ રહ્યા છીએ. હવે અમારા કેનેડિયન કામદારો અને યુવાનોના વ્યવસાયમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે.’

જો કે ટૂડોને તેના આ નિર્ણયને કારણે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં યુઝર્સ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. તેમજ કેનેડિયન લોકો પણ તેમને અત્યાર સુધીના સૌથી ખરાબ વડાપ્રધાન પણ કહ્યા છે. રિપોર્ટ મુજબ ટૂડો સરકારે કોરોના મહામારી બાદ કામદારોની ભારે અછતને કારણે પ્રતિબંધોમાં રાહત આપી હતી. જેના કારણે ઓછા પગારવાળા અસ્થાયી કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. હવે કેનેડા ઈમિગ્રેશન સિસ્ટમમાં ફેરફારની ચર્ચા કરી રહ્યું છે. કાયમી રહેવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે, આ અઠવાડિયે કેબિનેટ સ્ટ્રીટમાં આ વિષય પર ચર્ચા થઈ શકે છે.