કેનેડામાં પાર્ટટાઇમ નોકરી કરનારા ભારતીય યુવાનો પર હુમલા વધ્યા

ટોરોન્ટો,

કેનેડામાં ભારતીય મૂળના લોકો પર જીવલેણ હુમલાની વધતી ઘટનાઓથી ભારતીય સમાજમાં ડરનો માહોલ છે. છેલ્લા દોઢ મહિનામાં હુમલાની આવી ત્રણ ઘટના નોંધાઇ છે. જોકે, એ પુષ્ટિ નથી થઇ કે આ પ્રકારના ગુનેગારોનું નિશાન ભારતીયો જ છે કે પછી આ રંગભેદની ઘટનાઓ છે.

કેનેડામાં ચિંતાનું કારણ એ છે કે અહીં ભારતીય યુવાનો ગુજરાન ચલાવવા મોટા પાયે પાર્ટટાઇમ નોકરીઓ કરી રહ્યા છે, જેમાંથી મોટા ભાગના મોડી રાત સુધી કામ કરે છે. આ જ મહિને આલ્બર્ટામાં સનરાજ સિંહ (૨૪)ની હત્યા થઇ હતી, જ્યારે ડિસેમ્બરમાં ઓન્ટારિયોમાં મિસિસૌગામાં પવનપ્રીત કૌર (૨૧)ની ગોળી મારીને હત્યા કરાઈ.

નવેમ્બરમાં બ્રિટિશ કોલમ્બિયામાં મહકપ્રીત સેઠી (૧૮)ની ચપ્પુ મારી હત્યા કરાઈ.સાઉથ એશિયન હેરિટેજ એસોસિયેશન ઓફ હેમિલ્ટન એન્ડ રિજનના પ્રેસિડેન્ટ ખુરશીદ અહમદનું કહેવું છે કે અહીં સર્વિસ સેક્ટરમાં ઘણા ભારતીયો છે અને તેમણે ઘણી વાર મોડી રાત સુધી ઘરની બહાર રહેવું પડે છે. આ સ્થિતિમાં તેમની વિરુદ્ધ હિંસા વધી રહી છે.

ગ્રેટર ટોરોન્ટોના સ્કારબરોમાં રહેતા અને ડિલિવરી સર્વિસ કરતા યુવરાજ મોંગિયા કહે છે કે ગેસ સ્ટેશન અને મોટા સ્ટોર જેવાં સ્થળે રાતની પાળીમાં ફક્ત એક વ્યક્તિ ફરજ પર હોય છે એટલે ખતરો ઘણો વધી જાય છે. મહકપ્રીત સાથે ઘણું ખોટું થયું. જો અહીં જીવન સુરક્ષિત ના હોય, તો રહેવાનો શું ફાયદો. અહમદ કહે છે કે હું અલીગઢથી ૫૦ વર્ષ પહેલાં અહીં આવ્યો હતો. ત્યારે એશિયનો વિરુદ્ધ રંગભેદ ચરમસીમાએ હતો. ત્યારે ઘણી વાર આવી ઘટનાઓ નોંધાતી, પરંતુ છેલ્લા દસકામાં ફરી આવી હિંસા વધી છે.

કેનેડામાં ભારતીયોની વસતી ૧૮.૫ લાખ છે જે કુલ વસતીના આશરે ૫% છે. આ ઉપરાંત કેનેડાની યુનિવસટીઓમાં ૨.૩ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે. તેમાં ઘણા ઘરખર્ચ કાઢવા પાર્ટટાઇમ નોકરીઓ કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેનેડા ભારતીયો માટે શિક્ષણ, નોકરી અને સ્થાયી નિવાસના એક મહત્ત્વના દેશ તરીકે ઊભર્યું છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાના આંકડા પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં કેનેડામાં આવીને વસનારા દર પાંચમાંથી એક ભારતીય છે.