ટોરેન્ટો, કેનેડામાં ભારતીય સ્ટુડન્ટ્સ માટે ફરીથી નવી સમસ્યા પેદા થઈ છે. કેનેડાએ ઈમિગ્રેશનના નિયમો કડક બનાવ્યા છે અને કેટલાક સ્ટુડન્ટ પર ડિપોર્ટેશનનો પણ ખતરો ઝળુંબે છે. તેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેનેડાના પીઈઆઈ એટલે કે પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ પ્રોવિન્સમાં ભારતીય વિદ્યાર્થીઓ ઘણા ટેન્શનમાં છે અને તેમને પોતાના ભવિષ્યની ચિંતા સતાવે છે.
પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ કેનેડામાં વસતા વિદેશી સ્ટુડન્ટ માટે બહુ મહત્ત્વનો છે અને એક લાઈફલાઈન સમાન ગણાય છે. તેની મદદથી વિદ્યાર્થીઓ કેનેડાના પીઆર મેળવતા હોય છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ ઓન્ટારિયો અથવા બ્રિટિશ કોલંબિયા જેવા પ્રોવિન્સમાં એડમિશન લેતા હોય છે. જોકે, આ પ્રોવિન્સમાં અત્યારે પીઆર માટે ભારે હરીફાઈ હોવાના કારણે ઘણા સ્ટુડન્ટ પીઈઆઈ જેવા ઓછી ગીચતા ધરાવતા પ્રોવિન્સમાં પણ ટ્રાન્સફર થાય છે. આ પ્રોવિન્સ એવા છે જ્યાં વસતી વધી નથી રહી અને લોકોની ઉંમર વધારે છે.
તેથી તેઓ ટેમ્પરરી રેસિડન્ટ મેળવવા માટે પીએનપી પર આધાર રાખે છે. આ રીતે લેબર શોર્ટેજ દૂર થાય છે અને વસતીનો ગ્રોથ પણ જળવાઈ રહે છે. હવે કેનેડા તેની પોલિસીમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે અને તેના કારણે ભારતીય સ્ટુડન્ટની ઉંઘ ઉડી ગઈ છે. કેનેડામાં તાજેતરમાં ઈમિગ્રેશનમાં બહુ મોટો વધારો થયો છે અને તેનો વસતી વધારાનો દર પણ ઘણો વધી ગયો છે.
તેથી પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ સપોર્ટ કરી શકે તેના કરતા પણ વધારે સ્ટુડન્ટ પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડમાં આવી રહ્યા છે. તેથી પ્રોવિન્શિયલ ગવર્નમેન્ટે એસેન્શિયલ સેક્ટરમાં કામ કરતા લોકોને ઇએમાં પ્રાથમિક્તા આપવાનું નક્કી કર્યું છે. તેથી હેલ્થકેર, ચાઈલ્ડહૂડ એજ્યુકેશન, ક્ધસ્ટ્રક્શન વગેરે સેક્ટરમાં કામ કરતા લોકોને પ્રાયોરિટી આપવામાં આવશે. પરંતુ જે લોકો ફૂડ અથવા રિટેલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે તેવા સ્ટુડન્ટ માટે મુશ્કેલી પેદા થવાની છે. તેથી તેઓ વિરોધ કરી રહ્યા છે અને કેનેડાની નવી પોલિસી બદલવાની માંગ કરે છે.