કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીનું દર્દનાક મોત, ગેરેજમાં મુકેલ કાર ચાલુ રહી જતાં બની ઘટના

વિદેશમાં વધુ એક ગુજરાતીનુ મૃત્યુ થયું છે. નવસારીના વિદ્યાર્થીનું વિદેશમાં કમકમાટી ભર્યું મોત થયાના સમાચાર સામે આવ્યા છે, કેનેડાના ટોરેન્ટો વિસ્તારમાં આવેલા ટાઉનહાઉસમાં ઓન એકટીવા એવેન્યુ વિસ્તારમાં દુર્ઘટના ઘટી હતી. જેમાં એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયું છે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનું કેનેડામાં એમના ઘરનાં ગેરેજમાં મુકેલી કારમાં મત્યું થયું છે. કાર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જતા આ દુર્ઘટના ઘટી હતી. વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું કારણ સામે આવ્યું છે. ઘટનામાં કુલ છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં નવસારીના એક વિદ્યાર્થીનું મોત થયું છે.

માત્ર વિદેશમાં જવાનો મોહ એકબાજુ મુકીએ અને વાસ્તવિક સ્થિતિ ઉપર પણ જો નજર કરીએ તો કેનેડામાં એપ્રિલથી જૂન મહિનાની અંદર 3 ગુજરાતી વિદ્યાર્થીના મૃત્યુ થયા. વિચિત્ર કહી શકાય એવો યોગાનુયોગ એ છે કે ત્રણેયના મૃત્યુ ડૂબી જવાથી થયા અને રહસ્યમય સંજોગોમાં જ ત્રણેયના મૃતદેહ હાથ લાગ્યા. કેનેડાની સ્થાનિક પોલીસ ભલે આ અપમૃત્યુ પાછળ કોઈ ગુનાહિત એંગલનો ઈન્કાર કરતી હોય પરંતુ જે સંજોગોમાં વિદ્યાર્થી મૃત્યુ પામ્યા તે સામાન્ય તો નહતું જ તેમા બે મત નથી. વિદેશમાં જતા ગુજરાતીઓ આખરે ફસાઈ કેમ જાય છે.. આ પાછળ ગેરકાયદે વિદેશ પ્રવેશનો ખતરનાક ટ્રેન્ડ જવાબદાર બન્યો કે પછી વિદેશમાં અસ્તિત્વનો સંઘર્ષ વધુ ઘેરો બન્યો છે.. ગુજરાતીઓ વિદેશમાં ન ફસાય અને ગેરકાયદે વિદેશ પ્રવેશનો ટ્રેન્ડ બંધ થાય તે માટે દરેક સ્તરે કયા પ્રકારના પ્રયત્નો હાથ ધરવા જોઈએ.