કેનેડામાં બેઠા બેઠા રચાઇ કરણી સેના પ્રમુખ ગોગામેડીની હત્યાનું ષડયંત્ર

  • ત્રણ આરોપીની ધરપકડ બાદ અનેક ખુલાસા

નવીદિલ્હી, સુખદેવ સિંહ ગોગામેડી મર્ડર કેસના આરોપીઓની ચંદીગઢના સેક્ટર ૨૨ની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓના નામ નીતિન ફૌજી, રોહિત રાઠોડ અને ઉધમ છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસના દરોડા સમયે ત્રણેય આરોપીઓ હોટલમાં એક્સાથે હાજર હતા.

મળતી માહિતી મુજબ કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનું પ્લાનિંગ કરનાર માસ્ટરમાઈન્ડ રાજસ્થાનનો ગેંગસ્ટર રોહિત ગોદારા હતો. જે કેનેડામાં રહેતો હોવાની શંકા છે અને જે ગયા વર્ષે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝ વાલાની હત્યામાં સામેલ હતો. હત્યામાં સંડોવાયેલા ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્ર્નોઈની ગેંગ સાથે તેના ગાઢ સંબંધ પણ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગોદારાએ ગોગામેડીના મર્ડરનું કામ અને શૂટર લઈ આવવાની જવાબદારી વીરેન્દ્ર ચરણને સોંપી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ચરણ અને ગોદારાની મુલાકાત રાજસ્થાનની અજમેર જેલમાં થઈ હતી. સૂત્રો અનુસાર ગોદારાએ જણાવ્યું કે એ સમયે તેની સામે બળાત્કારનો કેસ નોંધાવવામાં ગોગામેડીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી, જે કારણે તેના સામે બદલો લેવાની આ યોજના બનાવવામાં આવી હતી. ચરણે તેના ગુસ્સાનો ફાયદો ઉઠાવ્યો અને ગોગામેડીની હત્યા કરવા માટેનો પ્લાન બનાવ્યો.

ચરણે તેના બીજા શૂટર નીતિન ફૌજીને જેલમાં બંધ કરાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે એ મસીએ ફૌજી વિદેશમાં સ્થાયી થવા માગે છે અને તેથી તેમણે મદદની ખાતરી આપતા ચરણ પાસેથી સલાહ લીધી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને શૂટરોએ ગોગામેડીની હત્યા કરવાની યોજના બનાવી હતી અને હત્યા પહેલા અને પછી ચરણના સંપર્કમાં હતા. રોહિત ગોદારાએ હત્યા કરવાની જવાબદારી વીરેન્દ્રને સોંપી હતી અને વીરેન્દ્રએ નીતિન ફૌજી તથા રોહિત રાઠોડને સોપારી આપી હતી.

ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્ર્નોઈ સાથે નજીકથી સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ આ હત્યાની જવાબદારી લીધી હતી. રોહિત ગોદારાએ અગાઉ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે ગોગામેડી તેના દુશ્મનોને મદદ કરી રહ્યો હતો અને તેથી જ આ હુમલો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગોગામેડીની હત્યા બાદ શૂટર, રોહિત ગોદારાના નજીકના સહયોગી વીરેન્દ્ર સાથે સતત સંપર્કમાં હતો, જેનું નામ પણ અનેક ગુનાહિત કેસોમાં હતું. શૂટરોનું લેટેસ્ટ લોકેશન તેમના મોબાઈલ ફોન પરથી ટ્રેસ કરવામાં આવ્યું હતું, કારણ કે તેઓ ભાગી જતાં વીરેન્દ્રને ફોન કરી રહ્યા હતા. શૂટરોએ પોલીસને જણાવ્યું છે કે તેઓ પહેલા ટ્રેનમાં હિસાર ગયા અને પછી ઉધમ સિંહ સાથે મનાલી ગયા, જ્યાંથી મઢી ગયા અને એ બાદ ત્રણેય લોકો ચંદીગઢ આવ્યા હતા, જ્યાં તેઓ પકડાયા હતા.