કેનેડામાં ૨૨ વર્ષના ભારતીય યુવકની હત્યા કરવામાં આવી

કેનેડામાં ૨૨ વર્ષના ભારતીય યુવકની હત્યા કરવામાં આવી છે. માત્ર ૮ મહિના પહેલા જ તે ભારત છોડીને કેનેડા ભણવા ગયો હતો. બુધવારે, આલ્બર્ટાના એડમન્ટનમાં પાકગમાં એક વ્યક્તિએ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો.મૃતક પંજાબનો રહેવાસી હતો, જેની ઓળખ જશનદીપ સિંહ માન તરીકે થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એડમન્ટન પોલીસે ૪૦ વર્ષીય એડગર વ્હિસ્કર પર સેકન્ડ-ડિગ્રી મર્ડરનો આરોપ લગાવ્યો છે. જશનદીપ પંજાબના માલેરકોટલાના બદલા ગામનો રહેવાસી હતો.

૨૨ વર્ષીય જશનદીપ સિંહ માનના પરિવારના મિત્રએ આ ઘટના અંગે ભારતમાં તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. જ્યારે તેમના પરિવારને તેમના પુત્રની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. જશનદીપની માતા આ સાંભળતા જ અસ્વસ્થ થઈ ગયા હતા અને બાદમાં તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ તેની તબિયત લથડી હતી.

એક પારિવારિક મિત્રએ જણાવ્યું કે જશનદીપ સિંહ ખૂબ સારા અને પ્રામાણિક વ્યક્તિ હતા. તેને કોઈની સાથે ઝઘડો નહોતો. તે તેના માતા-પિતા અને સંબંધીઓને છોડીને કેનેડામાં તેની કારકિર્દી બનાવવા માટે આવ્યો હતો. જશનદીપ સિંહ સ્ટુડન્ટ વિઝા પર ત્યાં આવ્યો હતો. તેણે ટિમ હોર્ટનની ફ્રેન્ચાઈઝીમાં પાર્ટ ટાઈમ કામ કરીને અને બાકીના ડોલર ભારતમાં મોકલીને ઘરવાળાને મદદ કરતા હતા. પોલીસનો દાવો છે કે હત્યારો અને જશનદીપ અગાઉ ક્યારેય મળ્યા ન હતા. બંને અજાણ્યા હતા.