કેનેડા જવું દંપતીને પડ્યું ભારે, પોલીસની એક ભૂલના લીધી ચાર ભારતીયોના મોત

એક ભારતીય દંપતીને કેનેડા આવવું ભારે પડ્યું છે. બહુવિધ વાહનોની અથડામણમાં એક દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચાર લોકોના મોત થયા છે. વાસ્તવમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ઓન્ટારિયો પોલીસ એક દારૂની દુકાનમાં લૂંટના શંકાસ્પદનો પીછો કરી રહી હતી જે રોંગ સાઈડમાંવાહન ચલાવી રહ્યો હતો.

ટોરોન્ટોથી લગભગ ૫૦ કિલોમીટર પૂર્વમાં વ્હીટબીમાં હાઈવે ૪૦૧ પર થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા ચારેય લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, આ માહિતી પોલીસે આપી હતી. ઓન્ટારિયોના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટએ જણાવ્યું હતું કે ૬૦ વર્ષીય પુરુષ અને ૫૫ વર્ષીય મહિલા ભારતથી કેનેડા આવ્યા હતા. મલ્ટી-વ્હીકલની ટક્કરમાં દંપતીના ત્રણ મહિનાના પૌત્રનું પણ મૃત્યુ થયું હતું. સોમવારે બનેલી ઘટના બાદ હાઇવે ૪૦૧ કેટલાક કલાકો સુધી બંધ રહ્યો હતો. જોકે, એસઆઇયુએ પીડિતોના નામ જાહેર કર્યા નથી.

એસઆઈયુએ જણાવ્યું કે આ અકસ્માતમાં બાળકના માતા-પિતા પણ ઘાયલ થયા છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. માતાની હાલત વધુ ગંભીર છે એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઓછામાં ઓછા છ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં એક ૨૧ વર્ષીય સંદિગ્ધનું પણ મોત થયું હતું.

પોલીસે જણાવ્યું હતું કે તેમને બોમેનવિલેમાં દારૂની દુકાનમાં લૂંટનો અહેવાલ મળ્યો હતો. આ પછી પોલીસે શકમંદોનો પીછો કર્યો. કાર્ગો વાનમાં મુસાફરી કરી રહેલા શંકાસ્પદ વ્યક્તિએ રોંગ સાઈડમાં વધુ ઝડપે ગાડી ચલાવવાનું શરૂ કર્યું. લગભગ ૨૦ મિનિટ પછી કેટલાક વાહનો એકબીજા સાથે અથડાયા હતા. કાર્ગો વાનમાં મુસાફરી કરી રહેલા ૩૮ વર્ષીય વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. ટોરોન્ટોમાં બુધવારે પીડિતો પર શબપરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

નિવેદનમાં જણાવાયું છે કે સાત તપાસર્ક્તાઓ, એક ફોરેન્સિક તપાસર્ક્તા અને એક અથડામણ પુન:નિર્માણકાર કેસની તપાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, એસઆઇયુ એક એવી એજન્સી છે જેને જ્યારે પણ પોલીસ મૃત્યુ, ગંભીર ઈજા અથવા જાતીય હુમલાના આરોપમાં સામેલ હોય ત્યારે તપાસ માટે બોલાવવામાં આવે છે.

મિલિકા માલજકોવિક બિરકેટ, એક મહિલા જેણે શંકાસ્પદ પોલીસ પીછો જોયો હતો અને અકસ્માતમાં બચી ગઈ હતી, તેણે જણાવ્યું હતું કે જ્યારે તેણે સામેથી તેની કાર તરફ એક શંકાસ્પદ વાનને આવતી જોઈ ત્યારે તે ડરી ગઈ હતી. તેણે કહ્યું કે તે સમયે તેને કંઈ સમજાયું નહીં. બિરકેટે કહ્યું, ‘હું સમજી શકી નથી. મને લાગ્યું કે, હે ભગવાન, શું થયું? શું ચાલી રહ્યું છે? પરિસ્થિતિને સમજવામાં થોડો સમય લાગ્યો.તેણે કહ્યું કે તે ખૂબ જ ડરામણી સ્થતિ હતી. કોઈક રીતે મારો જીવ બચી ગયો. પરંતુ ચાર લોકોના મોત થયા હતા.