ટોરોન્ટો,ભારતીય મૂળના સચિત મહેરા કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીના નવા પ્રમુખ બન્યા છે. આ માટે શનિવારે ચૂંટણી યોજાઈ હતી. સોમવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ૪૬ વર્ષીય સચિતે મીરા અહેમદને હરાવ્યો હતો.
સચિત વડાપ્રધાન જસ્ટિન ટૂડોના નજીકના મિત્ર છે અને લગભગ ૩૨ વર્ષથી લિબરલ પાર્ટી સાથે જોડાયેલા છે. શેડ્યૂલ મુજબ કેનેડામાં ૨૦૨૫માં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ટૂડો એલાયન્સ સાથે સરકાર ચલાવી રહ્યા છે. આ માટે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં સચિતની મહત્ત્વની ભૂમિકા હતી.લિબરલ પાર્ટીની આ ચૂંટણીમાં મુકાબલો કપરો હોવાનું માનવામાં આવી રહ્યું હતું. તેનું કારણ એ હતું કે તેઓ મીરા અહેમદ સાથે સ્પર્ધા કરી રહ્યા હતા, જે આ પહેલા આ પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
સચિતે જીત બાદ પાર્ટીના સભ્યોનો આભાર માન્યો હતો. કહ્યું- આ જીત એક અર્થમાં નવા પડકારની શરૂઆત છે. આપણે આ સમયથી જ આગામી ચૂંટણીની તૈયારી શરૂ કરવાની છે. તમારે તમારા ઉમેદવારોને જીતવા માટે સખત મહેનત કરવી પડશે. અમે ઈચ્છીએ છીએ કે દેશના દરેક ભાગમાં લિબરલ પાર્ટીના ઉમેદવારો જીતે અને આપણે મજબૂત સરકાર બનાવીએ.
મહેરાએ વધુમાં કહ્યું- કોઈએ શંકા ન કરવી જોઈએ કે લિબરલ પાર્ટી એકજૂથ હતી, છે અને રહેશે. હવે આપણી સામે સૌથી મોટો પડકાર એ છે કે દેશમાં ચોથી વખત સરકાર કેવી રીતે બનાવવી. આ માટે ઘણી મહેનત કરવી પડે છે. જે અધિવેશનમાં હું રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયો હતો, ત્યાં બધાએ જોયું કે અમારી ટીમમાં કેટલા સારા લોકો અને વિચારો છે.