
- ગયા વર્ષે જુલાઈ બાદ આ ૫મી ઘટના છે. જેમાં કેનેડામાં હિન્દુ મંદિરને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
ટોરેન્ટો,કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરને અપવિત્ર કરવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા . આ ઘટના ઓન્ટેરિયો પ્રાંતના વિન્ડસર શહેરમાં સ્થિત બીએપીએસ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની છે. જેમાં બીએપીએસ સંસ્થાના પ્રવક્તાએ આ ઘટનાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું, ‘મંદિરની દીવાલો પર લખેલા ભારત વિરોધી સૂત્રો જોઈને મને ખૂબ જ આશ્ર્ચર્ય થાય છે. બીએપીએસ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી હતી.
સંગઠને આ મામલે કેનેડામાં હિન્દુ ફેડરેશનના સભ્યોને ઈ મેલ મોકલ્યો છે. તેમ કહેવામાં આવ્યું છે કે, ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે, જેથી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. લખાયેલા સૂત્રોમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખાણ હતું.મહત્વનું છે કે, ગયા વર્ષે જુલાઈ બાદ આ ૫મી ઘટના છે. જેમાં કેનેડામાં હિન્દુ મંદિરને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
૩૦ જાન્યુઆરીએ બ્રામ્પટનમાં ગૌરી શંકરના પવિત્ર મંદિરને અપવિત્ર કરવાની ઘટના સામે આવી હતી. ગયા વર્ષે જુલાઈમાં રિચમંડ હિલના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી. જેને લઇ ભારતીયોમાં રોષ વ્યાપ્યો હતો. આ ઘટનાના થોડા અઠવાડિયા પછી, સપ્ટેમ્બરમાં, ટોરોન્ટોમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના આગળના પ્રવેશ દ્વાર પર આવી જ તોડફોડ કરવામાં આવી હતી. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા તેની સખત નિંદા કરવામાં આવી હતી.
અગાઉ ૧૪ ફેબ્રુઆરીએ કેનેડાના એક મુખ્ય મંદિરની દિવાલો પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટના મિસિસોગાના એક રામ મંદિરમાં બની હતી. આ અંગે મંદિરના ફેસબુક પેજ પર લખવામાં આવ્યું છે કે, ‘ઓન્ટારિયોના મિસીસૌગામાં શ્રી રામ મંદિરની દિવાલો રાત્રે ખરડાઈ ગઈ હતી. મહત્વનું છે કે, મંદિરની દિવાલો પર ખાલિસ્તાની તરફી અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.
હકીક્તમાં, કેનેડામાં તાજેતરમાં કેટલાક હિંદુ મંદિરોમાં તોડફોડ કરનારા ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે. અન્ય એક ઘટનામાં, બ્રિટિશ કોલમ્બિયાના બર્નાબીમાં સિમોન ફ્રેઝર યુનિવર્સિટીમાં કેમ્પસમાં ગાંધી પ્રતિમાને તોડવામાં આવી હતી. આ ઘટના ૨૭ માર્ચે બની હતી. જેના ચાર દિવસ પહેલા એટલે કે ૨૩ માર્ચે ઓન્ટારિયો પ્રાંતના હેમિલ્ટન શહેરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સિટી હોલ પાસેની મહાત્મા ગાંધીની પ્રતિમાને વિકૃત કરી સ્પ્રે પેઇન્ટ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ ઘટના અંગે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.