કેચમેન્ટ એરિયામાં વરસાદ બંધ થતા વડોદરામાં ૧૮થી ૨૪ કલાકમાં સ્થિતિ સામાન્ય થશે,ૠષિકેશ પટેલ

ગુજરાતમાં ડિપ ડિપ્રેશને સર્જેલી વરસાદી તારાજી બાદ, ગુજરાત સરકારના પ્રવકત્તા અને આરોગ્ય પ્રધાન ૠષિકેશ પટેલ, આજે વડોદરા દોડી ગયા હતા. વડોદરામાં છેલ્લા બે દિવસથી પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. શહેરભરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા છે. લોકોને વરસાદી પૂરથી બચવા માટે પહેલા માળે અથવા તો મકાનના ધાબા પર આશરો લેવાની ફરજ પડી રહી છે. આવી અણધારી સ્થિતિમાં, લોકોને મદદરૂપ થવા માટે તંત્રે કામગીરી હાથ ધરી છે.

૨૦૦૫ અને ૨૦૨૪ની સ્થિતિ અંગે પુછાયેલા પ્રશ્ર્ને, ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાને, પત્રકારોને જણાવ્યું હતું કે, ૨૦૦૪-૦૫ બાદ ફરી આવી સ્થિતિ સર્જાઈ છે. ત્રણ જળાશય છે જે ગેટેડ નથી તેનુ પાણી ઓવરલો થઈને વિશ્ર્વામિત્રીમાં આવી રહ્યું છે. ઓવરટોપિગ થતુ પાણી અન્ય કેનાલ કરીને ખંભાતના અખાતમાં છોડી શકાય તેવુ આયોજન હાથ ધરવા માટે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, વિશ્ર્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી વહે છે. ઓવર ટોપિગ થઈને પાણી આવે ત્યારે આ સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને ડેમ અને ઉપરવાસની વચ્ચેનુ પાણી વિશ્ર્વામિત્રી નદીમાં આવી રહ્યું છે. ડેમને નિયંત્રિત કરી શકાય પણ કેચમેન્ટ વચ્ચેનું પાણી નદીમાં આવતા આવી સ્થિતિ સર્જાઈ છે. બન્ને ડેમનુ પાણી રોક્યુ છે. પ્રતાપગઢ-આજવાના કેચમેન્ટમાં પાણી નથી. પાણીનું સ્તર નોર્મલ થાય તેવા પ્રયાસ છે. જો સ્થિતિમાં સુધારો ના થાય તો લોકોના ખાવા માટે, દવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક લાખ ફુડ પેકેટ તૈયાર કરાયેલા છે. તંત્રને મળતી ફરિયાદમાંથી પ્રાથમિક્તા નક્કી કરીને ઉકેલ લાવવામાં આવતો હોવાનું પણ ગુજરાત સરકારના પ્રવકત્તાએ કહ્યું હતું.