કેન્દ્રીય કેબિનેટે સોમવારે કૃષિ ક્ષેત્રને લગતી સાત મોટી યોજનાઓને મંજૂરી આપી છે. સરકાર આ યોજનાઓ પર લગભગ ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ યોજનાઓમાં રૂ. ૨,૮૧૭ કરોડનું ડિજિટલ કૃષિ મિશન અને પાક વિજ્ઞાન માટે રૂ. ૩,૯૭૯ કરોડની યોજનાનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે કેબિનેટ દ્વારા આ નિર્ણયોને લીલી ઝંડી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. ૨,૨૯૧ કરોડના એક કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે પશુધનના ટકાઉ સ્વાસ્થ્ય અને તેમના ઉત્પાદન માટે રૂ. ૧,૭૦૨ કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ સિવાય કેબિનેટે બાગાયતના ટકાઉ વિકાસ માટે ૮૬૦ કરોડ રૂપિયાની બીજી મોટી યોજનાને લીલી ઝંડી આપી છે. આ સિવાય કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને મજબૂત કરવા માટે રૂ. ૧,૨૦૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તે જ સમયે, કુદરતી સંસાધનોના સંચાલન સાથે સંબંધિત યોજના પર ૧,૧૧૫ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. તમામ સાત યોજનાઓમાં કુલ રૂ. ૧૩,૯૬૦ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.