કેબિનેટે એક આર્થિક સલાહકાર અને બે સંયુક્ત સચિવ સહિત ત્રણ પદની રચનાને મંજૂરી આપી

નવીદિલ્હી, કેન્દ્રીય કેબિનેટ દ્વારા ૧૬મા નાણાપંચની રચના અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણ પદોની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. ગુરુવારે આયોજિત આ મહત્વપૂર્ણ બેઠક પછી જારી કરાયેલા નિવેદન અનુસાર, સરકાર ૧૬માં નાણાં પંચ માટે એક આર્થિક સલાહકાર અને બે સંયુક્ત સચિવની પોસ્ટ બનાવશે. સરકારે કહ્યું કે આ પદો આયોગના કામમાં યોગદાન આપવા માટે બનાવવામાં આવ્યા છે.

સરકારે કહ્યું કે નાણાપંચની રચના બંધારણની કલમ ૨૮૦ હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે લગભગ અઢી અઠવાડિયા પહેલા તેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. કેબિનેટની બેઠકમાં મંજૂરી અને નાણા પંચની રચના અંગે સરકારે કહ્યું કે ૧૬મા નાણાં પંચ માટે પોસ્ટની રચનાને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ જારી કરાયેલી સૂચના દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હવે તેને કેબિનેટની બેઠકમાં ઔપચારિક મંજૂરી આપવામાં આવી હતી.

નવી પોસ્ટ બનાવવાની જરૂર કેમ પડી? આ સવાલ પર કેન્દ્ર સરકારે કહ્યું કે ૧૬મા નાણાં પંચ માટે જરૂરી બાકીની જગ્યાઓ બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. કમિશન પર કામના ભારણને ધ્યાનમાં રાખીને આથક સલાહકાર અને બે સંયુક્ત સચિવોની પોસ્ટની જરૂરિયાત ઊભી થઈ. ત્રણેય પદો પર નિયુક્ત કરાયેલા અધિકારીઓ ૧૬મા નાણાં પંચને તેના કાર્યો કોઈપણ અવરોધ વિના અને સરળતાથી પૂર્ણ કરવામાં મદદ કરશે.