સીએએ પર મહોર

સુપ્રીમ કોર્ટે નાગરિક્તા સંશોધન કાયદો એટલે કે સીએએની અધિસૂચનાના અમલ પર રોક લગાવવાનો ઇનકાર કરીને એક રીતે તેના પર મહોર જ મારી છે. આ એટલા માટે સ્વાગતયોગ્ય છે, કારણ કે કોઈપણ કાયદા અને તેની જોગવાઇઓ પર નિર્ણય તેની બંધારણીયતાની તપાસ બાદ જ થવો જોઇએ. આ પાસા પર ભાર મૂકવો એટલા માટે જરૂરી છે, કારણ કે કેટલાક વર્ષ પહેલાં ત્રણ કૃષિ કાયદાઓની બંધારણીયતા પર વિચાર કર્યા વિના જ સુપ્રીમ કોર્ટે તેના અમલ પર રોક લગાવી દીધી હતી. તેનું પરિણામ એ આવ્યું કે કૃષિ કાયદાઓનો વિરોધ કરનારા સંગઠનો અને તેમને ઉશ્કેરનારા રાજકીય પક્ષો માટે એવો માહોલ ખડો કરવામાં આસાની થઈ કે કૃષિ કાયદા યોગ્ય નથી. આ જ માહોલે એવી પરિસ્થિતિ પેદા કરી કે સરકારે નહિ ઇચ્છવા છતાં પણ આ કાયદાઓ પાછા ખેંચવા પડ્યા. જેમ કૃષિ કાયદાઓ વિરુદ્ઘ ઢગલાબંધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, એવી જ રીતે નાગરિક્તા કાયદા વિરુદ્ઘ પણ કરવામાં આવી છે. આ કાયદાને લઈને દાખલ કરાયેલી અરજીઓની સંખ્યા ૨૩૭ છે! એમાંથી માત્ર એક તેના સમર્થનમાં છે, બાકી બધી જ વિરોધમાં. વિરોધમાં અરજીઓ દાખલ કરનારાઓમાં રાજકીય પક્ષો અને નેતાઓ તો છે જ, દરેક નાના-મોટા સરકારી નિર્ણય પર સુપ્રીમ કોર્ટમાં દોડી જનારા લોકોની એ ટોળકી પણ છે, જેણે જનહિત અરજીઓને એક ઉદ્યોગમાં તબદીલ કરી દીધી છે.

નાગરિક્તા સંશોધન કાયદાના વિરોધમાં ઊભેલા લોકોની દલીલ એ છે કે આખરે તેને લોક્સભા ચૂંટણીઓ પહેલાં જ કેમ લાગુ કરવામાં આવી રહ્યો છે? શું ચૂંટણી પહેલાં કોઈ કાયદો લાગુ કરવા પર કોઈ પ્રતિબંધ છે? પ્રશ્ર્ન એ પણ છે કે ચાર વર્ષ પહેલાં જ્યારે ક્યાંય કોઈ ચૂંટણી ન હતી, ત્યારે વિપક્ષી દળોએ નાગરિક્તા સંશોધન કાયદા વિરુદ્ઘ કેમ આકાશ માથે લીધું હતું? તેમણે આ કાયદા વિરુદ્ઘ ન માત્ર લોકોને ભરમાવ્યા, બલ્કે તેમને સડકો પર ઉતરવા માટે પણ ઉશ્કેર્યા. આ કાયદા વિરુદ્ઘ દેશભરમાં માત્ર વિરોધ પ્રદર્શન જ ન થયાં, બલ્કે એ દરમ્યાન મોટા પાયે આગચંપી અને તોડફોડ પણ કરવામાં આવી હતી. દિલ્હીમાં તો શાહીન બાગ વિસ્તારમાં એક વ્યસ્ત સડકને ઘેરીને અને પરિવહનને ઠપ્પ કરીને મહિનાઓ સુધી ધરણાંના નામે જબરદસ્તી કરવામાં આવી હતી. આ જ ધરણાને કારણે દિલ્હીમાં ભીષણ તોફાનો થયાં, જેમાં ૫૦થી વધુ લોકો માર્યા ગયા. એના પર આશ્ર્ચર્ય નહીં કે શાહીન બાગ ધરણાંને ખાતર-પાણી આપનારા જ નાગરિક્તા સંશોધન કાયદા વિરુદ્ઘ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે. તેઓ જાણે છે કે આ વખતે લોકો તેમના જૂઠ્ઠા દુષ્પ્રચારમાં નથી ફસાવાના કે આ કાયદો લાગુ થવાથી ભારતીય મુસલમાનોની નાગરિક્તા ખતરામાં પડી જશે. આ કાયદાના વિરોધીઓએ લોકોને ભરમાવવાનું છોડીને પોતાની એ વાહિયાત માંગ છોડી દેવી જોઇએ કે નાગરિક્તા કાયદો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના બહુસંખ્યકો અને તેમના હાથે પ્રતાડિત ત્યાંના અલ્પસંખ્યકો પર સમાન રૂપે લાગુ થાય. આખરે પીડિત અને આક્રાંતા માટે એક્સમાન કાયદો કેવી રીતે હોઈ શકે?