પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે રાજ્યના મુખ્ય મંત્રી અને TMC ચીફ મમતા બેનર્જી પર તીખા પ્રહાર કર્યા છે. સુકાંત મજૂમદારે કહ્યું કે, તમે (મમતા બેનર્જી) વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aનો હિસ્સો છે પરંતુ ઈન્ડિયા તમારી સાથે નથી. દેશ વડા પ્રધાન મોદીની સાથે છે. તાજેતરમાં જ મમતા બેનર્જીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની વિદાય નક્કી છે અને પીએમ મોદી પાસે વડા પ્રધાન તરીકે માત્ર 6 મહિનાનો સમય બાકી રહ્યો છે.
સુકાંત મજૂમદારે CAA લાગુ થવાની વાત કહી અને કહ્યું કે, CAA લાગુ થઈને જ રહેશે અને મમતા બેનર્જી તેને રોકી નહીં શકે. બંગાળના લોકો તેમના ભ્રષ્ટાચાર વિશે જાણે છે અને આવનારા સમયમાં તેમને સત્તામાંથી બહાર કરવા માટે મત આપશે.
આ અગાઉ મમતા બેનર્જીએ કોલકાતાના નેતાજી ઈન્દોર સ્ટેડિયમમાં વિભિન્ન ઈમામો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, ધર્મને રાજકારણ સાથે મિક્સ ન કરવું જોઈએ. મમતા બેનર્જીએ દાવો કર્યો કે, તે ભાજપને લઈને ચિંતિત નથી અને તેઓ એ સુનિશ્ચિત કરશે કે, કોઈ ધર્મ અન્ય ધર્મ સાથે લડાઈ ઝગડો ન કરે. મમતા બેનર્જીએ કહ્યું કે, રમઝાનના મહિનામાં મેં રોઝા રાખ્યા તો તેમણે મારી તસવીરની મજાક ઉડાવી. ભાજપે મારું નામ પણ બદલી નાખ્યું પરંતુ મને તેનાથી કોઈ ફરક નથી પડતો.
મમતા બેનર્જીના નેતૃત્વ વાળી પશ્ચિમ બંગાળ સરકારે ઈમામો અને હિન્દુ પૂજારીઓના માસિક ભથ્થામાં 500 રૂપિયાના વધારાનો નિર્ણય કર્યો છે. નેતાજી ઈન્દોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં મમતા બેનર્જીએ તેનું એલાન કર્યું હતું.