- ઇન્ટરમીડિએટમાં દેશમાં ૧૩માં ક્રમે આવેલા અમદાવાદની કશિષ ખંધારને ૮૦૦માંથી ૬૪૮ માર્ક આવ્યા.
અમદાવાદ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઇ) (ICAI) એ બુધવાર, ૫મી જુલાઈના રોજ સીએ ઇન્ટરમિડિયેટ અને સીએ ફાઇનલના પરિણામો જાહેર કર્યા છે. જેમાં અમદાવાદનો વિદ્યાર્થી અક્ષય જૈને સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. આ પરીક્ષાઓ મે ૨૦૨૩માં આયોજિત થઈ હતી.
સીએ ફાઇનલ અને ઇન્ટરમીડિએટનું પરિણામ આજે (બુધવાર) જાહેર કરવામાં આવ્યું છે. જેમાં CA ફાઇનલમાં અમદાવાદનો વિદ્યાર્થી અક્ષય જૈન સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવતા ગુજરાતનું માનભેર ગૌરવ વધ્યું છે. જ્યારે સીએ ઇન્ટરમીડિએટમાં અમદાવાદના કશિષ ખંધાર દેશમાં ૧૩માં ક્રમે આવ્યો છે.સીએ ફાઇનલમાં દેશમાં પ્રથમ આવેલા અક્ષય જૈન અમદાવાદના ઘોડાસરનો રહેવાસી છે. અક્ષય જૈને સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કરતાં ૮૦૦ માંથી ૬૧૬ માર્ક મેળવ્યા છે. અક્ષયના ભાઈ એક ઈજનેર છે, અને પિતા લોજીસ્ટિકના વ્યવસાય સાથે જોડાયેલા છે. અક્ષયે સીએ ફાઈનલ પાસ કર્યા બાદ પોતાનું રહસ્ય ઉજાગર કર્યું હતું. અક્ષયે જણાવ્યું હતું કે, મેં પરીક્ષાના એક મહિના પહેલાથી સોશિયલ મીડિયાનો વપરાશ બંધ કર્યો હતો, રોજના ૧૨ કલાક વાંચન કરતો હતો. જેના કારણે હું દેશમાં પ્રથમ ક્રમે આવ્યો છે.
બીજી બાજુ અક્ષય જૈને ભવિષ્યમાં જોબ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અક્ષય જૈને વધુમાં જણાવ્યું હતું કે, મારી ૪ મહિનાની મહેનત આખરે રંગ લાવી છે. હું રેગ્યુલર ટેસ્ટ આપતો અને રોજ અભ્યાસ કર્યો છે. મારા માતા પિતા અને ફેકલ્ટીની મદદ મળી રહી. પરિવારમાં કોઈ સીએ નથી પણ પિતાના પિતરાઈ છે જેમણે મને સીએ માટે પ્રેરણા આપી હતી. જ્યારે ઇન્ટરમીડિએટમાં દેશમાં ૧૩માં ક્રમે આવેલા અમદાવાદની કશિષ ખંધારને ૮૦૦માંથી ૬૪૮ માર્ક આવ્યા છે. તેમણે પોતાની સફળતાનું રાજ ખોલતા જણાવ્યું હતું કે, મને પરિવાર અને ફેકલ્ટીની ખૂબ મદદ મળી છે. હું ઇન્ટરમીડિએટમાં રોજ ૧૨ કલાકની મહેનત કરી છે. ફાઇનલમાં પણ આવી રીતે મહેનતનો પ્રયાસ રહેશે.
તમને જણાવી દઈએ કે, સીએ ફાઇનલ અને ઇન્ટરમીડિએટની પરીક્ષા મે ૨૦૨૩માં લેવાઈ હતી. જેમાં દેશભરમાંથી ૧૩,૪૩૦ ઉમેદવારો CA તરીકે ક્વોલિફાઇડ થયા હતા. સીએ ફાઇનલમાં દેશનું ૮.૩૩ ટકા પરિણામ આવ્યું છે, નવેમ્બર ૨૦૨૨માં ૧૧.૦૯ ટકા પરિણામ આવ્યું હતું, આ વખતે દેશભરનું પરિણામ ઘટ્યું છે. જ્યારે ફાઇનલમાં અમદાવાદ સેન્ટરનું પરિણામ ૯.૮૩ ટકા આવ્યું છે, જે નવેમ્બર ૨૦૨૨માં ૧૫.૩૯ ટકા આવ્યું હતું, જે આ વખતે ઘટ્યું છે.સીએ ફાઇનલમાં દેશના ૨૫,૮૪૧ માંથી ૨,૧૫૨ ઉમેદવારો પાસ થયા છે, જ્યારે અમદાવાદમાંથી ૬૦૦ માંથી ૫૯ ઉમેદવારો પાસ જાહેર થયા છે.સીએ ઇન્ટરમીડિએટમાં દેશનું ૧૦.૨૪ ટકા પરિણામ, નવેમ્બર ૨૦૨૨માં ૧૨.૭૨ ટકા પરિણામ આવ્યું હતું, આ વખતે દેશભરનું પરિણામ ઘટ્યું છે. જ્યારે ઇન્ટરમીડિએટમાં અમદાવાદનું પરિણામ ૧૦.૭૫ ટકા આવ્યું છે, નવેમ્બર ૨૦૨૨માં પરિણામ ૨૦ ટકા આવ્યું હતું, જે આ વખતે ઘટ્યું. સીએ ઇન્ટરમીડિએટ દેશના ૩૯,૧૯૫ માંથી ૪૦૧૪ ઉમેદવારો સફળ થયા છે, જ્યારે અમદાવાદમાંથી ૧૨૫૬ માંથી ૧૩૫ ઉમેદવારો સફળ થયા છે. હવે આગામી નવેમ્બર ૨૦૨૩માં ઓલ્ડ કોર્ષની પરીક્ષા અંતિમવાર લેવાશે.