ભારતીય વાયુસેનાએ કારગીલમાં પહેલીવાર રાત્રે C-130J એરક્રાફ્ટનું લેન્ડિંગ કર્યું.

કારગીલ, લદ્દાખમાં પ્રથમ વખત C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટની નાઇટ લેન્ડિંગ

રાતના અંધારામાં પણ દુશ્મનો પર નજર રાખી શકાશે અને હુમલો કરી શકાશે : C-130J

કારગીલ, લદ્દાખમાં પ્રથમ વખત C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટની નાઇટ લેન્ડિંગ એક્સરસાઇઝ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો જાહેર કરીને વાયુસેનાએ કહ્યું કે કારગીલમાં C-130J એરક્રાફ્ટને લેન્ડ કરીને ઈતિહાસ રચાયો છે. હવે રાતના અંધારામાં પણ દુશ્મનો પર નજર રાખી શકાશે અને હુમલો કરી શકાશે.

એરફોર્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં આર્મી કમાન્ડ પણ જોઈ શકાય છે. કમાન્ડો રાત્રે પહાડો અને જંગલોની વચ્ચે દુશ્મનો પર કેવી રીતે નજર રાખવી તેની ટ્રેનિંગ લેતા દેખાય છે.

વીડિયોમાં સેનાના કમાન્ડો ટેરેન માસ્કિંગ એક્સરસાઇઝ કરતા જોવા મળે છે. આ એક ખાસ પ્રકારનું સૈન્ય ઓપરેશન છે, જે ત્યારે હાથ ધરવામાં આવે છે જ્યારે દુશ્મનથી છુપાઈને પોતાનું મિશન પૂરું કરવાનું હોય છે. વાયુસેનાએ આ કવાયત અંગે વધુ માહિતી જાહેર કરી નથી.

રાત્રીના સમયે લેન્ડિંગ કેમ પડકારજનક હોય છે

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના કારગીલમાં દરિયાઈ સપાટીથી 8,800 ફૂટથી વધુની ઉંચાઈએ કારગિલ એરસ્ટ્રીપ છે. આ વિસ્તાર ઉંચી ટેકરીઓ અને ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. આવી સ્થિતિમાં અહીં લેન્ડિંગ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. રાત્રિના અંધારામાં લેન્ડિંગ કરવું વધુ પડકારજનક છે. લેન્ડિંગ દરમિયાન, વિમાનોએ માત્ર રાત્રિના અંધારામાં પહાડોથી બચવું પડતું નથી, પરંતુ લેન્ડિંગ માટે માત્ર નેવિગેશન પર આધાર રાખવો પડે છે.

C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટની વિશેષતાઓ

C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ 19 ટન સામાન લોડ કરી શકે છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. આ વિમાન એક કલાકમાં 644 કિમીનું અંતર કાપી શકે છે. તે તૈયારી વિનાના રનવે પરથી ટૂંકા ટેક-ઓફ અને લેન્ડિંગ માટે સક્ષમ છે. યુદ્ધ દરમિયાન, આ વિમાનનો ઉપયોગ સરહદી વિસ્તારોમાં સેનાને સામાન પહોંચાડવા માટે કરી શકાય છે.