BZ પોન્ઝી સ્કીમનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો:એક મહિનાથી ફરાર ફુલેકાબાજને CIDએ મહેસાણાથી પકડ્યો, ગાંધીનગર લવાયો, પૂછપરછ શરૂ

BZ પોન્ઝી સ્કીમના 6000 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી તે ફરાર હતો. આરોપીને CIDની ટીમે મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ઝડપી લીધો છે. ત્યાંથી તેને ગાંધીનગર લાવવામાં આવ્યો હતો તેમજ તેની પૂછપરછ પણ કરવામાં આવી છે. આરોપી તેના સમાજના લોકોના સંપર્કમાં હતો, જેમના કોલ ટ્રેસ કરતાં તેનું લોકેશન મળ્યું હતું અને સાંજે 4 વાગ્યે દવાડાથી ઝડપી લેવામાં આવ્યો હતો.

બીજી તરફ BZ સ્કેમમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મયૂર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની જામીન અરજી ફગાવી દીધી છે.

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્ઝી સ્કીમ ચલાવી 6,000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોના કરોડો રૂપિયા ડુબાડી દે એ પહેલાં જ CID ક્રાઇમે તેની BZ ગ્રુપની ઓફિસ પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર પોન્ઝી સ્કીમ શૂન્યથી 6 હજાર કરોડના સામ્રાજ્ય સુધી કેવી રીતે પહોંચી એ અંગે આપને જણાવીશું.

CID ક્રાઈમના IG પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, BZ પોન્ઝી સ્કીમના 6000 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી લાંબા સમયથી ફરાર હતો. જેન દવડાથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં છે અને પૂછપરછ ચાલે છે. આરોપી ભૂપેન્દ્ર ઝાલા 1 મહિનાથી ફરાર હતો. ટેકનિકલ સર્વેલસન્સથી મહેસાણા જિલ્લામાં હોવાના અહેવાલો મળ્યા હતા. મહેસાણા જિલ્લાના દવાડા ગામની સીમમાંથી આરોપી ઝાલા ઝડપાયો છે. આરોપીના ભાઈને પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. હાલ એરેસ્ટ કરવાની કામગીરી ચાલુ છે. આ કૌભાંડમાંજેના નાણા ફસાયેલા છે તેવા ભોગ બનનાર લોકો ફરિયાદ આપી શકે છે. BZ ફાઇનાન્સ સર્વિસ ના કૌભાંડ બાબતે પોતાની ફરિયાદ આપી શકે છે. લોકોના 95 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સીઆઇડી ક્રાઇમ મિલકતો ટાંચમાં લઇ ભોગ બનનારના નાણા પરત કરવામાં આવશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણીત છે. ભૂપેન્દ્રસિંહ સૌથી પહેલા લોકોમાં ચર્ચામાં આવ્યો એ ઘટના હતી ગત લોકસભા ચૂંટણી. એમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ ન મળતાં સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી, જોકે ચૂંટણી લડવાને બદલે તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એપ્રિલ 2024માં કરેલા સોગંદનામામાં દર્શાવ્યા અનુસાર, તેના પરિવારમાં પિતા પરબતસિંહ અને માતા મધુબેન છે. સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ હાલ રાયગઢના ઝાલાનગર સ્થિત તેમનો વૈભવી બંગલો સૂમસામ છે અને બંગલાની બહાર લક્ઝુરિયસ ગાડીઓ પાર્ક થયેલી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સોગંદનામા અનુસાર ગત લોકસભા ચૂંટણી સુધીમાં તેમની સામે કોઇ ફોજદારી ગુનો પણ નથી નોંધાયેલો.

આરોપી ભૂપેન્દ્રસિંહ પાસે પોતાનાં જુદી જુદી બેંકમાં 9 બેંક એકાઉન્ટ છે, જ્યારે પિતા પરબતસિંહના નામે 3 બેંક ખાતાં છે, પરંતુ માતાના નામે એકપણ બેંક એકાઉન્ટ નથી. ત્યાં સુધી કે ભૂપેન્દ્રએ પોતાના નામે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં પણ કોઇ રોકાણ નથી કર્યું એમ સોગંદનામામાં દર્શાવ્યું હતું. પોતાની પાસે એક અર્ટિંગા કાર અને પિતાના નામે સ્કોર્પિયો કાર હોવાનું જણાવ્યું હતું. આરોપીએ પોતાની પાસે માત્ર 47 ગ્રામ, પિતા પાસે 40 ગ્રામ અને માતા પાસે 25 ગ્રામ જ સોનું હોવાનું જણાવ્યું હતું, જોકે ભૂપેન્દ્રસિંહે વર્ષ 2021થી 2023 સુધીમાં 10 એકર જેટલી જમીન હિંમતનગર અને મોડાસાના મહાદેવપુરા, ગામડી, અડપોદરા, સજાપુર અને સાકરિયા ગામે ખરીદી હોવાનું જણાવ્યું છે.