બૂટલેગરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું ને ₹10 લાખ પડાવ્યા:’હું મોટો ડોન છું, પોલીસવાળા કશું બગાડી નહીં શકે’ કહી દિવ્યાંગ પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપતો

નડિયાદમાં કુખ્યાત બૂટલેગર રહીસ મહીડાએ એક પરિણિતા પર દુષ્કર્મ આચર્યું હતું. ‘હું મોટો ડોન છું, પોલીસવાળા મારું કશું બગાડી નહીં શકે’ કહી દિવ્યાંગ પતિ અને પુત્રને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આટલું જ નહીં, પીડિતા પાસેથી અંદાજે રૂ, 10 લાખ પણ પડાવ્યા હતા. જેની પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને કેસની તપાસ માટે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે.

નડિયાદમાં રહેતો 26 વર્ષીય રઈસ મહીડાની મુલાકાત આ વિસ્તારમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોર ચલાવતી 32 વર્ષીય મહિલા સાથે આજથી થોડાં વર્ષ પહેલાં થઈ હતી. આ રઈસ આ સ્ટોર નજીક બેસતો હોવાથી આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. આ મહિલાના પતિને પેરાલિસિસ થયો હોઈ, તેઓ સ્ટોર પર આવતા નહોતા એટલે આ રઇસ અને મહિલાના સંબંધો વધુ નિકટના બન્યા હતા. સંબંધની આડમાં આ રઇસ અવારનવાર મહિલાના ઘરે જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. એ વખતે મહિલાના પતિ હાજર હોવા છતાં તે આ બદકામ કરતો હતો. મહિલાના પતિને લકવાની અસર હોવાથી તે વ્હીલચેરમાં હોય અને મહિલાનો પુત્ર શાળાએ ગયો હોય એ દરમિયાન આ બંને મળતાં હતાં.

આ મહિલાએ નડિયાદ પશ્ચિમ પોલીસમાં ગઈકાલે એવી ફરિયાદ આપી છે કે રઈસ મહીડાએ પોતાની ઓળખ છુપાવી પ્રેમસંબંધ બાંધી અલગ અલગ દિવસોમાં રોકડા રૂપિયા 8થી 10 લાખ મેળવી પરત આપ્યા નથી. તે તેની દુકાને જઇ સાડી ખેંચી લાફો મારી તેમજ તેના ઘરે જઇ પથ્થર મારી ઘરની બારીનો કાચ તોડી નાખ્યો હતો. તેણે ગાળો બોલી મહિલાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. નડિયાદ પશ્ચિમ પોલીસે હાલમાં આ યુવક વિરોધ બીએનએસ કલમ 54( 2)(એમ,),351(3)352,324,115 મુજબ ગુનો દાખલ કરી તેની અટક કરી છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

મહિલાની આ ફરિયાદ બાદ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી એવા કુખ્યાત રઈસ મહીડાને દબોચી લીધો હતો. પોલીસે આજે સાંજના સમયે ચુસ્ત બંદોબસ્ત હેઠળ આરોપીનું પોલીસ મથકથી પીજ રોડ ત્યાંથી મહીડા કોલોની અને ગુનાના સ્થળ પીજ રોડ પર આવેલી ગીતાંજલિ ચોકડી સુધી ગુના સંબંધી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સાથે પોલીસે આરોપીનો જાહેરમાં વરઘોડો પણ કાઢ્યો હતો. નીચા મોઢે રોડ પર ચાલતા કુખ્યાત એવા આરોપીને જોવા માટે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં.

આ અંગે પીડિત મહિલાએ જણાવ્યું હતું કે રઈસ મને જણાવેલું કે હું આ વિસ્તારનો મોટામાં મોટો ડોન છું, પોલીસવાળા મારું કશું બગાડી શકશે નહીં, હું જ્યારે પણ બહાર આવીશ ત્યારે તને જોઈ લઈશ, તારી સજા તારા દીકરાને ભોગવવી પડશે, આરોપીની માતા દ્વારા પણ ફરિયાદ ન કરવા મામલે દબાણ કરાયું હોવાનું જણાવ્યું છે.

જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે ખેડા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે, જેમાં દુષ્કર્મની ફરિયાદ પીડિત મહિલાએ આપી છે. આરોપી રહીસ જશુભાઈ મહીડા વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે આ મામલે તાત્કાલિક આરોપીની અટક કરી છે. એ બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગી તમામ કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદમાં દુષ્કર્મની, અને બન્ને એકબીજા સાથે આશરે 7 વર્ષથી પરિચયમાં હતાં, પરંતુ ફરિયાદીનું કહેવું છે અવારનવાર તેની પાસેથી રૂપિયા લીધા હતા અને ધાકધમકી આપી હતી. પોતાના પુત્રને મારી નાખવાની ધમકી આપતો હતો. શારીરિક શોષણ કરતો હતો. આ સમગ્ર બાબતે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે. દુષ્કર્મ, ધમકી અને ફરિયાદીના મકાનના કાચ તોડી નાખવા અંગેની ફરિયાદ નોંધાઈ છે. આરોપી વિરુદ્ધમાં દારૂના અનેક ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ પણ આરોપી વિવિધ ગુનામાં જેલોમાં ગયો હતો.