સુરત,સુરતના હજીરા રોડના કવાસ ગામ વિસ્તારમાં બે સંતાન સાથે એકલી રહેતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બૂટલેગરે બ્લેકમેલ કરતા પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. બૂટલેગર વારંવાર ઘરે આવવા ઉપરાંત ફોન કોલ કરી બ્લેકમેલ કરવાની સાથે પૈસાની માંગણી કરતા પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કરવા મજબૂર કરી હતી. જેને પગલે ભાઇના બૂટલેગર મિત્ર વિરૂધ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
સુરતના ચોર્યાસી તાલુકાના હજીરા રોડના કવાસ ગામમાં રહેતી કામિની (ઉં.વ. ૩૫ નામ બદલ્યું છે) ના લગ્ન વર્ષ ૨૦૦૫ માં થયા હતા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ સાથે મનમેળ નહીં હોવાથી પતિ સાથે છૂટાછેડા લઇ કામિનીએ બીજા લગ્ન કર્યા હતા, પરંતુ બીજા પતિ સાથે પણ વારંવાર ઝઘડો થતા પતિથી અલગ બે સંતાન સાથે કામિની રહેતી હતી. જે અંતર્ગત કામિની તેના ભાઇના બૂટલેગર મિત્ર વિશાલ વ્રજલાલ પટેલ (રહે. દામકા ગામ, તા. ચોર્યાસી, સુરત) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
નવ મહિનાના પ્રેમસંબંધ અંતર્ગત વિશાલ વારંવાર કામિનીના ઘરે આવતો હતો ત્યારે બંનેના ફોટા ક્લિક કર્યા હતા. આ ફોટાના આધારે વિશાલે બ્લેકમેઇન કરી કામિની પાસે પૈસાની માંગણી કરતા પોતાની આબરૂ બચાવવા રોકડ અને ગુગલ પેથી વિશાલને પૈસા આપતી હતી. તેમ છતા વિશાલની કનડગતથી કંટાળી તેની કરતૂત અંગે કામિનીએ તેના ભાઇને જાણ કરી હતી.
કામિનીના ભાઇએ વિશાલને કેમ તું મારી બહેનને ફોન પર અને ઘરે જઇ હેરાન કરે છે, કહીં ઠપકો આપ્યો હતો. જેથી વિશાલે તારાથી થાય તે કરી લે, હું કોઇથી ગભરાતો નથી, હું તારી બહેનના ઘરે પણ જઇશ અને ફોન પણ કરીશ એમ જવાબ આપ્યો હતો. દરમિયાનમાં ગત ૪ માર્ચે મધરાતે વિશાલનો કામિની પર ફોન આવ્યો હતો.
વિશાલ અને કામિની બંને વચ્ચે ઝઘડો થતા કામિનીએ કહ્યું હતું કે, મને હેરાન કરવાનું બંધ કરી દે નહીંતર મારે મરવાનો વારો આવશે. ત્યાર બાદ કામિનીએ નિંદ્રાધીન બે સંતાનની ચિંતા કર્યા વગર આપઘાત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મધરાતે વિશાલે વોટ્સએપ પર મેસેજ કર્યા હતા અને ઇન્સ્ટાગ્રામ મેસેન્જર પર કોલ કર્યા હતા તેના પુરાવા પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે.