બુશરાના અંગત ડૉક્ટરે ઈમરાનની પત્નીને ઝેર આપવાના દાવાને રદિયો આપ્યો

ઇસ્લામાબાદ, જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે તેમની પત્ની બુશરા બીબીને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બુશરા બીબીના અંગત ડોક્ટરે ઈમરાન ખાનના આ આરોપોનો ખુલાસો કર્યો છે. મેડિકલ ચેકઅપ બાદ તેમણે કહ્યું કે બુશરા બીબીને કોઈ ઝેર આપવામાં આવ્યું નથી. ૨ એપ્રિલે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં સુનાવણી દરમિયાન ઈમરાન ખાને જજ નાસિર જાવેદ રાણાને કહ્યું હતું કે બુશરાને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે ઝેરના કારણે તેમની પત્નીની જીભ અને શરીરના અન્ય ભાગો પર નિશાન હતા.

ઈમરાને કોર્ટમાં કોઈનું નામ લીધા વગર કહ્યું કે, મને ખબર છે કે આ પાછળ કોનો હાથ છે? તેમણે કહ્યું કે જો તેમની ૪૯ વર્ષીય પત્નીને કંઈ થયું તો સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર જવાબદાર હશે કારણ કે એક ગુપ્તચર એજન્સીના સભ્યો ઈસ્લામાબાદમાં તેમના બાની ગાલા નિવાસસ્થાન અને રાવલપિંડીની અદિયાલા જેલમાં બધું નિયંત્રિત કરી રહ્યા હતા.

સ્થાનિક મીડિયા સાથેની મુલાકાત દરમિયાન ડૉ. આસિમ યુસુફે જણાવ્યું હતું કે, બુશરા બીબીને ઝેર આપવામાં આવ્યું હોવાના હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. અમે કોઈ મેડિકલ ટેસ્ટ કરાવી રહ્યા નથી કારણ કે બુશરા બીબી પર ઝેરના કોઈ ચિહ્નો જોવા મળ્યા નથી. તેણે વધુમાં જણાવ્યું કે, બે મહિના પહેલા ભોજન ખાધા બાદ બુશરાની તબિયત બગડી હતી. ત્યારથી, તેણીની સ્વાસ્થ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તે ઓછું ખાતી હતી.

સુનાવણી બાદ પત્રકારો સાથે વાત કરતા બુશરાએ કહ્યું કે તેને ટોયલેટ ક્લીનર દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. તેણે જણાવ્યું કે તેના ભોજનમાં ટોયલેટ ક્લીનરનાં બે-ત્રણ ટીપાં ભળી ગયાં હતાં. બુશરાએ કહ્યું, મારી આંખો સૂજી ગઈ છે, મને છાતી અને પેટમાં દુખાવો અને અસ્વસ્થતા અનુભવાઈ રહી છે, અને ખોરાક અને પાણી પણ કડવું છે, બુશરાએ કહ્યું.

તમને જણાવી દઈએ કે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ૧૪ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. ઈમરાન ખાનને રાવલપિંડીની અદિયાલા જેલમાં રાખવામાં આવ્યો છે.