બિલ્ડરની સુસાઈડ નોટમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો ઉલ્લેખ:૨ કરોડના ૨૪ કરોડ પડાવ્યા

  • મારે કોઈ જ લેવાદેવા નથી: કાંતિ અમૃતિયા

રાજકોટ,રાજકોટના મોટા બિલ્ડર જેરામ કુંડારિયાએ સુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. બિલ્ડરની કથિત સુસાઈડ નોટમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના નામનો ઉલ્લેખ કરવામાં આવતા ભારે હડકંપ મચી ગયો છે. આ સુસાઈડ નોટ કાંતિ અમૃતિયા ઉપરાંત ટી.ડી પટેલ અને રાકેશ થનવાણી સહિત ૯ લોકોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટમાં રાકેશ નથવાણી પર ૮૦ લાખના બદલામાં ૨ કરોડ વસૂલ્યાનો આક્ષેપ કરાયો છે. તો ટી.ડી.પટેલ પર ૨ કરોડના ૨૪ કરોડ વસૂલ્યાનો આક્ષેપ છે. આ મામલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ’મારે કોઈ જ લેવાદેવા નથી. જે કઈ તપાસ થશે તેમાં તથ્ય બહાર આવશે. જો પોલીસ તપાસ થશે અને મારા સુધી આવશે તો હું પૂરો સાથ સહકાર આપીશ, પરંતુ થયેલા આક્ષેપોમાં મારે કોઈ જ લેવાદેવા નથી, જે કાંઈ હશે એ સત્ય તપાસમાં જ બહાર આવશે.’

આ મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસનું કહેવું છે કે, આવી કોઈ સુસાઈડ નોટ અમને મળી નથી. જેરામ કુંડારિયાએ જે સમયે ૨ નામ આપ્યા તેમાં એફઆઇઆર કરી છે. રાકેશ નથવાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેરામ કુંડારિયાની તબિયત સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જેરામ કુંડારિયાનો પરિવાર પણ વાયરલ સુસાઈડ નોટ અંગે અજાણ છે.

બિલ્ડરના આપઘાત પ્રયાસ મામલે ઝોન ૨ના ડીસીપી સુધીર કુમાર દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રાકેશ નથવાણી અને ઠાકરશીભાઈ વિરુદ્ધ ફરિયાદ મળી હતી. સુસાઈડ નોટ મામલે કોઈ વિગત મળી નથી. ફરિયાદના આધારે પોલીસ અને મામલતદારે તપાસ શરૂ કરી છે. વાયરલ સુસાઇડ નોટ મામલે હાલ તપાસ ચાલી રહી છે. એકની ધરપકડ થઈ છે બીજાની ધરપકડ બાકી છે.

રાજકોટના કાલાવડ રોડ પરના રોયલ પાર્ક-૩માં રહેતા અને કૃતિ ઓનેલાના ભાગીદાર બિલ્ડર જેરામ કુંડારિયાએ તાજેતરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે તેમણે રાકેશ નથવાણી અને ટી.ડી.પટેલ સહિતના બે વ્યાજખોરોના ત્રાસને કારણે આ પગલુ ભર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી રાકેશ નથવાણીની ધરપકડ પણ કરી હતી. યુનિવર્સિટી પોલીસે મોરબીના ઓમ શાંતિ સ્કૂલવાળા ટી.ડી પટેલ અને રાજકોટના રાકેશ નથવાણી સામે મની લેન્ડિંગ સહિત કલમોનો ગુનો નોંધ્યો હતો. આક્ષેપ મુજબ, રાકેશ નથવાણીએ રૂપિયા ૮૦ લાખના બદલામાં રૂપિયા ૨ કરોડ વસુલ્યા હતા. જ્યારે મોરબીના ટી.ડી પટેલે રૂપિયા ૨ કરોડના ૨૪ કરોડ વસુલ્યા હતા. વ્યાજખોરના અતિશય ત્રાસથી પીજીવીસીએલના નિવૃત ઈજનેર અને બિલ્ડર જયરામ કુંડારીયાએ ઘઉંની દવાના ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુનિવર્સિટી પોલીસે આ કેસમાં માત્ર એક રાકેશ નથવાણીની ધરપકડ કરી છે. મોરબીના ઓમ શાંતિ સ્કૂલના ટી.ડી પટેલ હજુ પોલીસ ધરપકડથી દૂર છે. યુનિવર્સિટી પોલીસ ટી.ડી પટેલ સુધી કેમ પહોંચી નથી એ સવાલ સર્જાયા છે. હવે બિલ્ડર અગ્રણીના આપધાત પ્રયાસમાં ભાજપના ધારાસભ્યનું નામ ઉંછળ્યું છે. બિલ્ડરની કથિત સુસાઈડ નોટમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના નામનો ઉલ્લેખ કરાયો છે. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્તિયાનું કથિત સુસાઈડ નોટમાં નામ આવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.