ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામને સાતમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરીને વિક્રમ કર્યો, તે સાથે જ ભાજપે બજેટને વખાણ્યું અને વિપક્ષે વખોડયું. આ વખતનું બજેટ મોદી સરકારની નવ પ્રાથમિક્તાઓ પર આધારિત છે, જેમાં કૃષિ, રોજગાર, માનવ સંસાધન વિકાસ, શહેરી વિકાસ મુખ્ય છે. બજેટમાં શિક્ષણ અને રોજગાર પર વિશેષ ધ્યાન અપાયું છે. રોજગારને પ્રોત્સાહન આપવા માટે પહેલી નોકરીએ ત્રણ હપ્તામાં ૧૫૦૦૦(થી વધુ નહીં એ રીતે) અપાશે. કેન્દ્ર સરકારે ટોપ ૫૦૦ કંપનીઓમાં ૫ વર્ષમાં ૧ કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ આપવાની જાહેરાત કરી છે, જેમાં દર મહિને ૫૦૦૦નું સ્ટાઇપેન્ડ અને ૬૦૦૦નો વન ટાઈમ સપોર્ટ આપવામાં આવશે. એ તો થાય ત્યારે, પણ દર વર્ષે બે કરોડ યુવાનોને નોકરી આપવાનું અગાઉ બોલાઈ ચૂક્યું છે ને ત્યાંથી હવે પાંચ વર્ષમાં એક કરોડ રોજગાર પર વાત આવીને અટકી છેે.
જયારે મધ્યમવર્ગીય નોકરિયાતોને બજેટમાં કર રાહતની અપેક્ષા રહેતી હોય છે ને એમાં મોટે ભાગે નિરાશા જ સાંપડતી હોય છે. આટલે વર્ષેય સરકારથી ૫ લાખની કરમુક્તિની મર્યાદાનું વચન તો પળાયું નથી, તે એટલે કે ૩ લાખની મર્યાદા હોય તો ઘણાનો આવકવેરામાં સમાવેશ થઈ શકે. માત્ર ૨ કરોડ લોકો જ ટેક્સ ભરે છે, એટલે વધુ લોકો ટેક્સ ભરે એ જરૃરી પણ છે, પણ કેટલા લોકો ટેક્સેબલ ઇક્ધમ જેટલું કમાય છે એ જોઈએ તો બહુ મોટો આંકડો આવે એમ નથી. એ પણ ખરું કે જે મોટે ભાગે મયમવર્ગના પગારદારો જ ઇક્ધમટેક્સ ભરે છે.
આ વખતે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા ૫૦૦૦૦થી વધારીને ૭૫૦૦૦ કરવામાં આવી છે. ટેક્સ રેટના સ્લેબ બદલાયા છે ને એ દ્વારા ૧૭૫૦૦ની કર રાહત અપાયાની વાત છે. ન્યૂ રિજિમ અને ઓલ્ડ રિજિમની યુક્તિ નાણામંત્રીએ જ દાખલ કરેલી અને હવે ઓલ્ડ રિજિમ નાબૂદ કરવાની યુક્તિ હોય તેમ બધી જ કર રાહતો નવી રિજિમને જ લાગુ કરી છે. ઓલ્ડ રિજિમમાં કર રાહત મેળવવા લોકો પાસે બચત કરાવાતી હતી, તે સ્થિતિ નવી રિજિમમાં નથી. એટલે કરદાતાઓ હવે બચત નહીં કરે ને એનો અણીને વખતે જે લાભ એમને મળતો હતો એ નહીં મળે એમ બને.
દર વર્ષે બજેટ સામાન્ય હોય કે ખાસ હોય, વખાણ-વખોડવાની ફોર્મ્યુલા નક્કી જ હોય છે. અત્યારે વિપક્ષ, આંધ્ર અને બિહારને અનુક્રમે પંદર હજાર અને સાઈઠ હજાર કરોડની ભેટ થઈ તેનો હોબાળો કરી રહ્યો છે. ચંદ્રાબાબુ તો ૭૦,૦૦૦ કરોડની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરી માટે અગાઉ જ નિર્ણય કરાવી ગયા છે, એટલે લહાણી ઓછી થઈ નથી. બિહારના નીતીશકુમાર અને આંધ્રના ચંદ્રાબાબુ નાયડુને ટેકે ભાજપની સરકાર અત્યારે સત્તામાં છે, એટલે એને રાજી રાખવાનું સમજી શકાય એવું છે, પણ બંનેની માંગણી કેન્દ્ર સરકારે નકારી છે.
બીજી મહત્ત્વની વાત એ કે બજેટમાં અન્ય રાજ્યોને કૈં જ મળ્યું નથી એવું નથી. પૂર્વોદય યોજનામાં જે પાંચ રાજ્યો સામેલ હતાં, એમાં બિહાર અને આંધ્ર સિવાય બંગાળ, ઓડિસા અને ઝારખંડ પણ છે, તે ઉપરાંત અસમને પૂર નિયંત્રણ અને મહારાષ્ટ્રને સિંચાઈ પરિયોજના માટે ફંડ ફાળવવામાં આવ્યું જ છે. ભારત સરકારે ૧૭૫૦૦ કરોડની કરવેરામાં રાહત આપતાં, એટલી ખોટ ખાવી પડશે, એવો અફસોસ કર્યો, ત્યારે દર મહિને ૨૫૦૦૦ કરોડની વસૂલાત માત્ર જીએસટી દ્વારા તે કરી રહી છે એ વાત તે કહેતી નથી.
શેર બજારની આવક પર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અનુક્રમે ૧૨.૫ અને ૨૦ ટકા કરી દેતાં સેન્સેક્સમાં શરૃઆતમાં જ ૧૫૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. ટેક્સના આ વધારાથી શેર બજારમાં રોકાણ કરનારા રાજી નથી.