બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ૬૮૮૫ કરોડની જાહેરાત કરાઇ

મહિલાઓને આર્થિક ઉત્કર્ષ સાથે સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા અને આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ઘરેલું હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્યમાં 65 સેન્ટર કાર્યરત છે. આ યોજનાની ઉપયોગિતા અને અસરકારકતા જોતાં 15 નવા સેન્‍ટર શરૂ કરવામાં આવશે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 2363 કરોડની જોગવાઇ કરી છે. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 878 કરોડની જોગવાઇ. પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ કરી છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે 322 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 252 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આંગણવાડી ૨.૦ યોજના અંતર્ગત આંગણવાડીઓના માળખાકીય વિકાસ માટે 1800 કરોડના ખર્ચે અમલી બનનાર યોજના માટે 200 કરોડની જોગવાઇ કરી છે.

આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફલેવર્ડ ફોર્ટીફાઇટ દૂધ આપવા માટે 132 કરોડની જોગવાઇ કરી છે. પોષણ સુધા યોજના હેઠળ ૧૦૬ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે 129 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો સુરત ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્રના અદ્યતન અને નવીન સુવિધાઓ યુક્ત નવા મકાનના બાંધકામ માટે 16 કરોડની જોગવાઈ. પોષણની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ વૃદ્ધિ મોનિટરીંગ ઉપકરણોની ખરીદી કરવા માટે 14 કરોડની જોગવાઇ કરી છે.