બજેટમાં સામાન્ય નાગરિકોના કલ્યાણ પર ધ્યાન આપવાની જરૂર છે, ધનિક લોકો વધુ ટેક્સ ચૂકવવા સક્ષમ છે, કૌશિક બસુ

વિશ્વબેંકના ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક બસુએ મંગળવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે સામાન્ય નાગરિકોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવું જોઈએ અને આગામી બજેટમાં વધુ નોકરીઓનું સર્જન કરવા માટે ઉત્પાદન ક્ષેત્રને વધુ ભંડોળ ફાળવવું જોઈએ. બસુએ કહ્યું કે સરકાર માટે પાયાના સ્તરે આર્થિક કલ્યાણ પર વધુ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈના રોજ લોક્સભામાં ૨૦૨૪-૨૫નું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. અર્થશાસ્ત્રી એ સૂચવ્યું કે હું માનું છું કે શ્રીમંત લોકો વધુ કર ચૂકવવામાં સક્ષમ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ઉત્તેજન આપવા માટે આ નાણાનો ઉપયોગ શ્રમની માંગ વધારવા, નાના ઉદ્યોગોને મદદ કરવા અને સામાન્ય લોકોની આવક વધારવામાં ઘણો આગળ વધી શકે છે.

બાસુએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ભારતની એકંદર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ સારી રહી છે. પરંતુ આ એકંદર આંકડા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને, અમે ભારત સામેના બે મુખ્ય ઓન-ધ-ગ્રાઉન્ડ પડકારોને અવગણી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું. ઝડપથી વધી રહેલી અસમાનતા અને બેરોજગારી તેની ટોચ પર છે, ખાસ કરીને યુવા બેરોજગારી, જે વિશ્વમાં સૌથી વધુ છે.’’ બસુએ જણાવ્યું હતું કે ગરીબ પરિવારો દ્વારા સામનો કરવામાં આવતો ફુગાવો રાષ્ટ્રીય સરેરાશ ૫.૦૮ ટકા અને સમૃદ્ધ પરિવારો દ્વારા સામનો કરવામાં આવતો ફુગાવો ઘણો વધારે છે. જૂનમાં છૂટક ફુગાવો ૫.૧ ટકા હતો. બેરોજગારી તેની ચરમસીમા પર હોવા અંગેના પ્રશ્ર્ન પર, બસુએ કહ્યું કે તમામ રાજકીય પક્ષોને યુવા બેરોજગારીમાં છુપાયેલ રસ છે કારણ કે તે તેમને રાજકીય સ્વયંસેવકો પ્રદાન કરે છે. તેમણે આશા વ્યક્ત કરી કે રાજકીય પક્ષો પોતાના હિતથી ઉપર ઉઠશે અને રાષ્ટ્રીય હિતમાં નીતિઓનો અમલ કરશે.

તેમણે કહ્યું કે આ સમયે સૌથી મહત્વની નીતિ રોજગાર સર્જન હોવી જોઈએ. બસુએ કહ્યું કે ટેક્નોલોજીના વિકાસ સાથે સમગ્ર વિશ્વમાં શ્રમની માંગ ઘટી રહી છે તે વાતને નકારી શકાય નહીં. જો કે, ભારત જેવા મયમ આવક ધરાવતા દેશો માટે જ્યાં શ્રમ હજુ પણ ખૂબ સસ્તું છે, ત્યાં શ્રમની માંગમાં સતત વધારો થવાની શક્યતા છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ) ના તાજેતરના અહેવાલ મુજબ, ૨૦૨૨ માં ભારતની કુલ બેરોજગાર વસ્તીમાં યુવાનો સૌથી વધુ ૮૩ ટકા હતા.