
ભરૂચ,
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે ટિકિટ માટેની ખેંચતાણ ચરમસીમાએ જોવા મળી. જેમા સૌથી વધુ હાઈવોલ્ટેજ ડ્રામા ભરૂચની ઝઘડિયા બેઠક માટે જોવા મળ્યો. અહીં બીટીપીના છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા વચ્ચે જ ટિકિટને લઈને જંગ છેડાઈ ગયો અને બંનેએ ઝઘડિયા બેઠક પરથી જ ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.
ઉપરાંત તેમના નાના પુત્ર દિલિપ વસાવાએ પણ આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. એક જ પરિવારમાં એક જ બેઠક માટે ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો. જો કે આખરે પિતા-પુત્ર વચ્ચેના આ પારિવારિક મતભેદનો અંત આવ્યો છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયુ છે. ઉમેદવારીપત્ર નોંધાવવાના છેલ્લા દિવસે પુત્ર મહેશ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે. હવે આ બેઠક પર છેલ્લી ૭ ટર્મથી સતત ચૂંટાતા છોટુ વસાવા જ ચૂંટણી લડશે.
અગાઉ આ બેઠક પર મહેશ વસાવાએ છોટુ વસાવાની ટિકિટ કાપી જાતે ઉમેદવારી કરી હતી. જેને લઈને આ બેઠક પર પેંચ ફસાયો હતો. સામે પક્ષે છોટુ વસાવાએ પણ અહીંથી જ ઉમેદવારી કરી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભાજપ અને જદયુ વચ્ચે પણ ગઠબંધનની પણ અટકળો હતી. જો કે મહેશ વસાવાએ તમામ ખબરોનું ખંડન કર્યુ હતુ. આખરે અન્ય અગ્રણીઓની સમજાવટ બાદ એક બાદ એક ફોર્મ પરત ખેંચાતા ગયા અને હવે માત્ર છોટુ વસાવાનું જ આ બેઠક પરથી ફોર્મ રહ્યુ છે. આ બેઠક ઉપર વિધાનસભા ચૂંટણી ૧૯૯૦ થી છોટુ વસાવા સતત ઉમેરવારી કરતાં આવ્યા છે, ત્યારે આ ચૂંટણીમાં છોટુ વસાવા સતત ૮મી વાર ચૂંટણી લડવાના છે.