- માયાવતી અને મંત્રી નસીમુદ્દીન સિદ્દીકી ૨૦ વર્ષ જૂના કેસમાં ફસાયા છે.
લખનૌ,ઉત્તર પ્રદેશમાં બસપા સુપ્રીમો માયાવતીની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે સીબીઆઇએ તેમના પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. સીબીઆઈએ ૨૦ વર્ષ જૂના તાજ કોરિડોર કૌભાંડ કેસમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ કૌભાંડમાં સીબીઆઈને પ્રથમ કાર્યવાહીની મંજૂરી મળી છે. હવે આ અંગે એનપીસીસીના તત્કાલિન એજીએમ સામે કેસ દાખલ કરવામાં આવશે અને ૨૨ મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
જણાવી દઈએ કે, બસપા સુપ્રીમો માયાવતી અને મંત્રી નસીમુદ્દીન સિદ્દીકી ૨૦ વર્ષ જૂના કેસમાં ફસાયા છે. સીબીઆઈ હવે આ મામલે કાર્યવાહી કરી રહી છે. સીબીઆઇને મહેન્દ્ર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની મંજૂરી મળી ગઈ છે. મહેન્દ્ર શર્મા નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડના તત્કાલીન એજીએમ હતા. વર્ષ ૨૦૦૨માં માયાવતીએ તાજમહેલ અને તેની આસપાસના વિસ્તારને કોરિડોર તરીકે વિક્સાવવા માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ત્યારબાદ આ ૧૭૫ કરોડના પ્રોજેક્ટ માટે ૧૭ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ્સ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ તપાસ થઈ હતી. સીબીઆઈ દ્વારા છેતરપિંડી, ભ્રષ્ટાચાર, ષડયંત્ર સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડને આ કોરિડોર બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપ છે કે પર્યાવરણ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળે તે પહેલા જ આ કોરિડોર માટે ૧૭ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ૨૦૦૩માં આ કોરિડોરની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ સીબીઆઇએ ૨૦૦૭માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારે નસીમુદ્દીન સિદ્દીકી માયાવતીની સાથે ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા હતા. પરંતુ માયાવતીના મુખ્યમંત્રી બનતાની સાથે જ આ કેસ ચલાવવાની પરવાનગી નકારી દેવામાં આવી હતી. આ પછી સીબીઆઈ કોર્ટમાં ચાલી રહેલી તપાસ રોકી દેવામાં આવી હતી. પરંતુ હવે ફરી સીબીઆઈ આ મામલે એક્શનમાં આવી છે.