નવીદિલ્હી, સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સાંસદ દાનિશ અલીએ સંસદ પરિસરમાં બીજેપી સાંસદ રમેશ બિધુરી વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું.
ઉલ્લેખનીય છે કે ગત સંસદ સત્રમાં ચર્ચા દરમિયાન બીજેપી સાંસદે અમરોહાથી બસપાના સાંસદ કુંવર દાનિશ અલી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દાનિશ અલીએ આ મામલે લોક્સભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપના સભ્ય રમેશ બિધુરી વિરુદ્ધ તેમની ફરિયાદને લઈને તેમની વિરુદ્ધ બનાવટી આરોપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમને પીડિતમાંથી આરોપી બનાવવામાં આવી રહ્યા છે.
પત્રમાં દાનિશ અલીએ કહ્યું હતું કે બિધુરી વિરુદ્ધ તેમની ફરિયાદને ભાજપના સાંસદને કથિત રીતે ઉશ્કેરવાના આરોપો સાથે જોડીને તેઓ આશ્ર્ચર્યચક્તિ થયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ બિધુરી સામે ત્વરિત, કડક અને અનુકરણીય કાર્યવાહીની અપેક્ષા રાખતા હતા, પરંતુ પીડિતને આરોપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું દુ:ખી હતું.
અલીએ પત્રની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પેનલે ૨૧ નવેમ્બરે અલી અને બિધુરીને નોટિસ પાઠવી હતી. અલીએ ૧ ડિસેમ્બરે એક પત્ર લખ્યો હતો. બાદમાં ૭ ડિસેમ્બરે લોક્સભાની વિશેષાધિકાર સમિતિએ બિધુરી અને અલીને અલગ-અલગ સમયે બોલાવ્યા હતા. અગાઉ, બિધુરી કમિટી સમક્ષ હાજર થયા નહોતા અને તેણે આમ કરવામાં અસમર્થતા દર્શાવી હતી. બિધુરીએ સપ્ટેમ્બરમાં સંસદના વિશેષ સત્ર દરમિયાન અલી વિરુદ્ધ આ ટિપ્પણી કરી હતી જ્યારે ગૃહમાં ચંદ્રયાન-૩ મિશનની સફળતાની ચર્ચા થઈ રહી હતી.
લોક્સભાના સ્પીકર ઓમ બિરલાએ સપ્ટેમ્બરમાં દાનિશ અલી સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને બિધુરીના મુદ્દે સાંસદોની ફરિયાદોને વિશેષાધિકાર સમિતિને મોકલી હતી. દાનિશ અલી અને કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ડીએમકેના કનિમોઝી સહિત અન્ય કેટલાક વિપક્ષી સાંસદોએ બિધુરી સામે કાર્યવાહીની માંગ કરી હતી. તે જ સમયે, નિશિકાંત દુબે જેવા ઘણા બીજેપી સાંસદોએ કહ્યું કે બસપાના સભ્યએ ગૃહમાં બોલતી વખતે દક્ષિણ દિલ્હીના સાંસદને ’ઉશ્કેર્યા’ અને સ્પીકરને આ પાસાને પણ યાનમાં લેવા વિનંતી કરી.