બેંગલુરુ,
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો છે. બુધવારે વિધાનસભામાં સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે આ મારી ફેરવેલ સ્પીચ છે. આ એક દુર્લભ ક્ષણ છે, કારણકે હવે હું ફરીથી ચૂંટણી નહીં લડું. મને બોલવાની તક આપવા માટે આપ સૌનો આભાર.
તેમણે ભાષણમાં પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે જો ભગવાન મને શક્તિ આપશે તો હું આગામી પાંચ વર્ષ પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી પણ લડીશ. હું ભાજપને સત્તામાં લાવવા માટે મારાથી બનતા તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. મેં પહેલેથી જ કહ્યું છે કે હવે હું ચૂંટણી નહીં લડું, પરંતુ પીએમ મોદી અને પાર્ટી પાસેથી મને જે સન્માન તથા પદ મળ્યાં એતેને હું જીવનભર ભૂલી શકીશ નહીં.
બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે વડાપ્રધાને મને જે સન્માન આપ્યું એને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મને મુખ્યમંત્રીપદ પરથી હટાવવામાં આવ્યો નહોતો, મેં પોતે જ પદ છોડ્યું હતું પોતાના ભાવુક ભાષણમાં તેમણે કહ્યું હતું કે વિપક્ષ કહે છે કે તેમને મુખ્યમંત્રીપદ પરથી હટાવવામાં આવ્યા છે. આ ખોટું છે. યેદિયુરપ્પાને મુખ્યમંત્રીપદેથી હટાવવામાં આવ્યા નહોતા. યેદિયુરપ્પાએ તેમની ઉંમરને કારણે આ નિર્ણય લીધો હતો.
ખરેખર જુલાઈ ૨૦૨૧માં યેદિયુરપ્પાએ પાર્ટી હાઈકમાન્ડના કહેવા પર મુખ્યમંત્રીપદ છોડી દીધું હતું અને તેમના સ્થાને બાસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ બાબતે વિપક્ષ અનેક વખત યેદિયુરપ્પાના પાર્ટી પદ સામે સવાલ ઉઠાવતું રહ્યું છે.
સ્પીકર અને ધારાસભ્યોએ તેમને વિનંતી કરી હતી કે તેઓ કર્ણાટક બજેટસત્રના છેલ્લા દિવસે ૨૪ ફેબ્રુઆરીએ ભાષણ આપશે. વિપક્ષના ઘણા સભ્યોએ તેમને કહ્યું હતું કે તેમણે ફરીથી વિધાનસભાની ચૂંટણી લડવી જોઈએ. આ બાબતે યેદિયુરપ્પાએ કહ્યું હતું કે ચૂંટણી ન લડવાનો મતલબ એ નથી કે તેઓ ઘરે બેસી જઈશ. વિધાનસભા ચૂંટણી બાદમાં તેઓ રાજ્યનો પ્રવાસ કરશે અને પાર્ટી તેમજ અન્ય ઉમેદવારો માટે પ્રચાર કરશે. તેમના અંતિમ શ્ર્વાસ સુધી તેઓ પાર્ટીને વધુ મોટી અને મજબૂત બનાવવા માટે કામ કરશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે હું આ રીતે બેઠેલા તમામ ધારાસભ્યોને કહેવા માગીશ કે આત્મવિશ્ર્વાસ સાથે કામ કરો અને ચૂંટણીની તૈયારીઓ કરો. સામે પક્ષે બેઠેલા અનેક લોકો (વિપક્ષ) આપણી સાથે આવવા માગે છે. જો તમારામાં વિશ્ર્વાસ હશે તો આપણે તેમને સાથે લઈને ભાજપને પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવીશું.