સુપ્રીમ કોર્ટે સોમવારે (૧૨ ઓગસ્ટ) બીઆરએસ નેતા કવિતાની જામીન અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે કવિતાની જામીન અરજી પર ED અને CBI પાસેથી જવાબ માંગ્યો છે.આ પહેલા ૧ જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કે કવિતા દિલ્હી લિકર પોલિસી મામલે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે.
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચમાં આ કેસની સુનાવણી થઈ હતી. કોર્ટે જામીન અરજી પર સુનાવણી માટે ૨૦ ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.મની લોન્ડરિંગ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી ૧૩ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી
૩૧ જુલાઈના રોજ રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ સીબીઆઇ કેસમાં કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી ૯ ઓગસ્ટ સુધી અને ઈડી દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં ૧૩ ઓગસ્ટ સુધી લંબાવી હતી. બીઆરએસ નેતા કે. કવિતાની દિલ્હી લિકર પોલિસીમાં ૧૫ માર્ચે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ૧ જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની ખંડપીઠે કે કવિતાની જામીન અરજી ફગાવી દીધી હતી. આ દરમિયાન બેન્ચે કહ્યું હતું કે, તપાસમાં મળેલા પુરાવાઓ પરથી એવું લાગે છે કે કવિતા દિલ્હી લિકર પોલિસી બનાવવામાં અને અમલીકરણમાં મુખ્ય કાવતરાખોરોમાંની એક હતી.
એ યાદ રહે કે દિલ્હી હાઈકોર્ટે સોમવારે (૫ ઓગસ્ટ) અરવિંદ કેજરીવાલની સીબીઆઇ ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી હતી. તેમજ જામીન અરજી માટે નીચલી કોર્ટમાં જવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે એવું ન કહી શકાય કે સીબીઆઈએ કોઈ નક્કર કારણ વગર કેજરીવાલની ધરપકડ કરી છે. આ જ મામલામાં ૨૯ જુલાઈએ થયેલી સુનાવણીમાં કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.