- ૠષિ સુનકે કહ્યું કે ’લેબર પાર્ટીએ આ ચૂંટણી જીતી છે અને મેં કીર સ્ટારરને તેમની જીત પર અભિનંદન આપવા ફોન કર્યો હતો
બ્રિટનના પ્રધાનમંત્રી ૠષિ સુનકને મોટો ઝટકો મળ્યો છે. સામાન્ય ચૂંટણીમાં તેમની કન્ઝર્વેટિવ પાર્ટીને સજ્જડ હારનો સામનો કરવો પડી રહ્યો છે. મતગણતરી શરૂ થતાની સાથે જ કીર સ્ટાર્મરના નેતૃત્વવાળી લેબર પાર્ટીએ જીત મેળવવાની શરૂ કરી. એક્ઝિટ પોલના પરિણામો પણ તેમના પક્ષમાં આવ્યા હતા. જ્યારે પ્રધાનમંત્રી ૠષિ સુનકની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક હારની ભવિષ્યવાણી કરાઈ હતી.
યુકેમાં મતદાન પૂરું થતા જ મતગણતરી શરૂ થઈ ગઈ હતી.૧૮૬ આંકડા સાથે લેબર પાર્ટી બહુમતના જાદુઈ આંકડા ૧૭૦થી ઘણી આગળ નીકળી ગઈ હતી.સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી ૮૦ સીટ પણ મેળવી શકી નથી. જો કે આ ચૂંટણી પરિણામો ચોંકવનારા નથી.
બીજી બાજુ ડેહેના ડેવિસનનું કહેવું છે કે ૧૪ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ કોઈ સરકાર માટે સામાન્ય ચૂંટણી જીતવી એ અસામાન્ય હશે. ડેવિસન ૨૦૧૯માં કાઉન્ટી ડરહમના પહેલા ટોરી સાંસદ ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે તેઓ ચૂંટણી લડી નથી. પૂર્વ સાંસદનું કહેવું છે કે તેમની પાર્ટીની સૌથી મોટી ભૂલ ’સત્તામાં રહેવાની વધુ પડતી આદત પડી જવી’ હતી. તે કહે છે કે કેટલાક કન્ઝર્વેટિવ સભ્યોએ પોતાની જાતને અરીસામાં જોવાની અને જવાબદારીના એક સ્તરને સ્વીકારવાની જરૂર છે. વર્તમાન પીએમ ૠષિ સુનકે પોતાની હાર સ્વીકારી લીધી છે.
તેણે કીર સ્ટારરને તેની જીત બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. ચૂંટણી પરિણામો પર પોતાના સંસદીય ક્ષેત્ર રિચમન્ડ અને નોર્ધન એલર્ટનમાં સમર્થકોને સંબોધતા ૠષિ સુનકે કહ્યું, ’હું માફી માંગુ છું અને આ હારની જવાબદારી લઉં છું.’ ૠષિ સુનકે કહ્યું કે ’લેબર પાર્ટીએ આ ચૂંટણી જીતી છે અને મેં કીર સ્ટારરને તેમની જીત પર અભિનંદન આપવા ફોન કર્યો હતો. આજે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સત્તાનું ટ્રાન્સફર થશે.
સુનકે કહ્યું: ’હું ઘણા સારા, મહેનતુ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારોની હારની જવાબદારી લઉં છું જેઓ તેમના પ્રયાસો, તેમના સ્થાનિક રેકોર્ડ્સ અને તેમના સમુદાયો પ્રત્યેના સમર્પણ છતાં આજે રાત્રે હાર્યા હતા. હું આનાથી દુ:ખી છું. મેં વડાપ્રધાન તરીકે મારા સો ટકા આપવાનો પ્રયાસ કર્યો. હું હવે લંડન જઈશ, જ્યાં હું વડાપ્રધાન પદ છોડતા પહેલા આજે રાત્રે પરિણામ વિશે વધુ જણાવીશ.’
બ્રિટનના નવા વડાપ્રધાન બનવા જઈ રહેલા લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમેરે ચૂંટણી પરિણામો માટે મતદારોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ’દેશના લોકો પરિવર્તન માટે તૈયાર છે અને તેમણે દેખાડાની રાજનીતિનો અંત લાવવા માટે મતદાન કર્યું છે. ’ હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ બેઠકો જીત્યા પછી તેમના વિજય ભાષણમાં, ૬૧ વર્ષીય સ્ટારમેરે કહ્યું: ’લોકોએ તેમને મત આપ્યા કે નહીં, હું આ મતવિસ્તારના દરેક વ્યક્તિની સેવા કરીશ. હું તમારા માટે બોલીશ, તમને ટેકો આપીશ, તમારી લડાઈઓ દરરોજ લડીશ. હવે સમય આવી ગયો છે કે આપણે આપણા ભાગનું કામ કરીએ.
બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં અર્થતંત્ર સૌથી મોટો મુદ્દો હતો. આ જ કારણ છે કે કન્ઝર્વેટિવ પાર્ટીએ છેલ્લી ઘડીએ એવો જુગાર રમીને મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો કે લેબર પાર્ટી સત્તામાં આવશે તો ટેક્સમાં વધારો કરશે. જો કે, જનતાએ આ વાત પર વિશ્વાસ ન કર્યો અને લેબર પાર્ટીને સંપૂર્ણ સમર્થન આપ્યું. બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં જે મુદ્દાઓ પર સૌથી વધુ ચર્ચા કરવામાં આવી હતી તેમાં અર્થતંત્ર, આરોગ્ય સેવાઓ, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ મુદ્દો, આવાસ, પર્યાવરણ, અપરાધ, શિક્ષણ, કર, બ્રેક્ઝિટ પણ મુખ્ય મુદ્દો હતો.અગાઉ બ્રિટનમાં ટોની બ્લેરના નેતૃત્વમાં લેબર પાર્ટીની સરકાર હતી. કન્ઝર્વેટિવ પાર્ટી છેલ્લા ૧૪ વર્ષથી સરકારમાં હતી. હવે ફરી એકવાર કીર સ્ટારમરના નેતૃત્વમાં લેબર પાર્ટીની સરકાર સત્તામાં વાપસી કરવા જઈ રહી છે.
બ્રિટનનું લોકશાહી માળખું પણ ભારત જેવું જ છે. ભારતની જેમ બ્રિટનમાં પણ સંસદના બે ગૃહો છે, જેને હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સ કહેવામાં આવે છે. હાઉસ ઓફ કોમન્સ બ્રિટનનું નીચલું ગૃહ છે. સામાન્ય નાગરિકો તેના સભ્યોને ચૂંટવા માટે મત આપે છે. જે પક્ષ નીચલા ગૃહમાં ૫૦% થી વધુ બેઠકો મેળવે છે તે સરકાર બનાવે છે. પક્ષના નેતાને દેશના વડાપ્રધાન જાહેર કરવામાં આવે છે. બ્રિટિશ સંસદમાં કુલ ૬૫૦ બેઠકો છે. ચૂંટણી જીતવા માટે પાર્ટીઓએ ૩૨૬નો આંકડો પાર કરવો પડશે. જો કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે તો તેઓ અન્ય નાના પક્ષો સાથે ગઠબંધન સરકાર બનાવી શકે છે. જ્યારે હાઉસ ઓફ લોર્ડ્સ (ઉચ્ચ ગૃહ) ના સભ્યો ચૂંટાતા નથી, તેમની નિમણૂક વડા પ્રધાનની ભલામણ પર કરવામાં આવે છે.
દેશના પ્રથમ બ્રિટિશ ભારતીય વડા પ્રધાને ૨૩,૦૫૯ મતો સાથે ઉત્તરી ઈંગ્લેન્ડમાં રિચમન્ડ અને નોર્થલેર્ટન બેઠક આરામથી કબજે કરી હતી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેમની પાર્ટીની હાર ટાળવામાં નિષ્ફળ ગયા હતા. બ્રિટિશ ઈન્ડિયન અને કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર શિવાની રાજાએ પણ લેબર પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને લેસ્ટર ઈસ્ટ મતવિસ્તારમાં હરાવીને વિજય મેળવ્યો હતો.ભારત અને બ્રિટન બંને દેશો વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવા માટે બે વર્ષથી વધુ સમયથી પ્રસ્તાવિત મુક્ત વેપાર સંધિ પર વાતચીત ચાલુ છે. લેબર પાર્ટીની પ્રચંડ જીતથી બંને દેશો વચ્ચે એફટીએ પર ચાલી રહેલી વાર્તા ડાયનામિક્સમાં ફેરફાર આવી શકે છે. જો સર્વે સટીક બેસે તો અન્ય યુરોપીયન દેશોની જેમ બ્રિટનમાં પણ હાલની સરકાર બદલાઈ જશે. અત્રે જણાવાનું કે કોવિડ મહામારી અને યુક્રેન પર રશિયાના આક્રમણના કારણે ઊભા થયેલા સંકટથી અનેક યુરોપીયન દેશોમાં થયેલી ચૂંટણીઓમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. એક્ઝિટ પોલના આંકડા બ્રિટનમાં પણ આ ફેરફારના સંકેત આપે છે.