![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/02-26.jpg)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ડિપોર્ટેશન યાદીમાં હવે બ્રિટિશ પ્રિન્સ હેરીનું નામ હવે જોડાઈ શકે છે. ટ્રમ્પે હેરીનો વિઝા કેસ ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે, જે પાંચ મહિના પહેલા બંધ થઈ ગયો હતો. જો હેરી વિઝા મેળવવામાં ખોટી માહિતી આપવા બદલ દોષિત ઠરે છે, તો ટ્રમ્પ તેને ડિપોર્ટ કરી શકે છે.
જો આવું થાય, તો હેરી ટ્રમ્પ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન ડિપોર્ટ કરાયેલા પ્રથમ વ્યક્તિ હશે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ હેરી અને તેમની પત્ની મેગન માર્કલને કોઈ છૂટ આપશે નહીં. મેગન એક અમેરિકન નાગરિક છે, હેરી તેની સાથે અમેરિકામાં રહે છે.
આ મામલો હેરીની આત્મકથા ‘સ્પેયર’ સાથે સંબંધિત છે, જેમાં તેમણે કિશોરાવસ્થામાં ડ્રગ્સ લેવાનું સ્વીકાર્યું હતું. હેરીએ અમેરિકન વિઝા લેતી વખતે આ વાત છુપાવી હતી. તેને મુદ્દો બનાવીને, જમણેરી સંગઠન હેરિટેજ ફાઉન્ડેશને કેસ ફરીથી ખોલવા માટે અરજી કરી હતી.
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/01-44.jpg)
ટ્રમ્પ ખ્રિસ્તીઓના રક્ષણ માટે કમિશન બનાવશે
ટ્રમ્પે ખ્રિસ્તી વિરોધી ભેદભાવ પર એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ આદેશ ફેડરલ એજન્સીઓને ખ્રિસ્તી લોકોના અધિકારોનું ઉલ્લંઘન ન થાય તેની ખાતરી કરવાનો નિર્દેશ આપે છે. ટ્રમ્પે આ દરમિયાન કહ્યું હતું કે તેઓ ધાર્મિક સ્વતંત્રતા પર રાષ્ટ્રપતિ પંચ બનાવશે, જે ખ્રિસ્તી ધર્મને વધુ રક્ષણ પૂરું પાડશે.
ટ્રમ્પના આ નિર્ણયની આકરી ટીકા થઈ રહી છે. ટીકાકારો કહે છે કે આ આદેશ ધાર્મિક સ્વતંત્રતાના ખ્યાલને દૂર કરીને ખ્રિસ્તી ધર્મને પ્રાથમિકતા આપે છે. આરોપ એ છે કે જો ટ્રમ્પ ખરેખર ધાર્મિક સ્વતંત્રતાની કાળજી રાખતા હોત, તો તેઓ મુસ્લિમો, યહૂદીઓ અને અન્ય લોકો સામે થતા ભેદભાવ પર પણ ધ્યાન આપત.
USAIDના 10,000 કર્મચારીને કાઢી મૂકવાનો આદેશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના 10,000 કર્મચારીઓને કાઢી મૂકવાનો આદેશ આપ્યો છે. છટણી પછી, આ એજન્સીમાં ફક્ત 290 કર્મચારીઓ જ બાકી રહેશે. USAID ભારત સહિત 130 દેશોમાં કાર્ય કરે છે.
USAID પર ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ સંગઠનોને ભંડોળ પૂરું પાડવાનો આરોપ છે, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલી સંસ્થા ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન (FIF). આ જ સંગઠને 2008ના મુંબઈ હુમલામાં સામેલ આતંકવાદીઓને મદદ કરી હતી.
USAID પર જૈશ-એ-મોહમ્મદ અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને અપ્રત્યક્ષ રીતે ભંડોળ પૂરું પાડવાનો આરોપ છે. આ બધાને ભારત સરકાર દ્વારા આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ટ્રમ્પે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો
ટ્રમ્પે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) પર પ્રતિબંધો લગાવવાનો આદેશ આપ્યો છે. ICC એ ગાઝામાં માનવતા વિરુદ્ધ પ્રવૃત્તિઓ બદલ ઇઝરાયલી રાષ્ટ્રપતિ નેતન્યાહૂ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.
ટ્રમ્પે આદેશ જારી કરતા કહ્યું કે નેતન્યાહૂ વિરુદ્ધ વોરંટ જારી કરીને આઈસીસીએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. ટ્રમ્પે આ કેસમાં સામેલ ICC અધિકારીઓ, સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો તેમજ તપાસમાં મદદ કરનારા કોઈપણ વ્યક્તિ સામે સંપત્તિ જપ્ત કરવા અને મુસાફરી પ્રતિબંધનો આદેશ આપ્યો છે. મંગળવારે નેતન્યાહૂ ટ્રમ્પને મળ્યા હતા.