તહેરાન,
ઈરાનમાં હિજાબ વિરુદ્ધ દેખાવો ૧૦૦ દિવસ વીતી જવા છતાં ચાલુ છે. સરકાર દેખાવકારો પર દમન કરી રહી છે. ઈન્ટરનેટ પર રોકથી લઈને દેખાવકારોને મૃત્યુદંડ અપાઈ રહ્યા છે. આ દરમિયાન ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ્સે મોરલ પોલિસિંગના ૭ વિરોધીઓની ધરપકડ કરી લીધી છે જે બ્રિટન અને યુક્રેનની બેવડી નાગરિક્તા ધરાવતા હતા. દેખાવોને ઉગ્ર બનાવવાનો આરોપ મૂક્તા ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ધરપકડથી સાબિત થાય છે કે બ્રિટનના તાર અહીં થઇ રહેલી વિનાશક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સરકાર તરફથી જણાવાયું કે દેખાવો પણ શત્રુ દેશોનું કાવતરું જ છે. આ દેખાવકારોને અમેરિકા, ઈઝરાયલ, સાઉદી જેવા શત્રુ દેશોમાં સૈન્ય ટ્રેનિંગ અપાઈ રહી છે. બ્રિટનના વિદેશ મંત્રાલયે ઈરાનથી ધરપકડ કરાયેલા લોકોનો રિપોર્ટ માગ્યો હતો.
જર્મનીએ દેખાવોના દમનને કારણે ઈરાન સાથેની કારોબારી યોજનાઓ પડતી મૂકી છે. સાથે જ હવે તે વર્તમાન યોજનાઓનો પ્રચાર-પ્રસાર પણ નહીં કરે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ઈરાનની સ્થિતિ અત્યંત ગંભીર થઈ ચૂકી છે. અગાઉ યુરોપિયન યુનિયનના ટોચના રાજદ્વારીઓએ કહ્યું કે ઈરાન સાથેના સંબંધ બગડી રહ્યા છે. આ ૨૦૧૬માં ઈરાન સાથેની પરમાણુ સમજૂતી બાદ શરૂ થયેલી લોન અને રોકાણની ગેરન્ટીને પ્રભાવિત કરે છે. આ જ કારણે અમે આગામી જાન્યુઆરીથી રોકાણ ગેરન્ટી બંધ કરી દઈશું. ઈયુમાં જર્મની, ઈરાનનો ટોચનો કારોબારી ભાગીદાર છે. બંને દેશો વચ્ચે ૨૦૨૧માં લગભગ ૧.૯ અબજ ડૉલર(આશરે ૧૬ હજાર કરોડ રૂ.) અને આ વર્ષના પહેલા ૯ મહિનામાં ૧.૬ અબજ ડૉલર(આશરે ૧૪ હજાર કરોડ)રૂ.નો કારોબાર થઈ ચૂક્યો છે.
ઈરાનમાં આ ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ બાદ સૌથી લાંબા સમય સુધી ચાલનારા દેખાવો છે. અગાઉ ગત ૫ વર્ષમાં બે વખત દેખાવો થઈ ચૂક્યા છે પણ તેને દબાવી દેવાયા હતા. ૨૦૧૭ના અંતે શરૂ થયેલા દેખાવો ૨૦૧૮ની શરૂઆત સુધી ચાલ્યા હતા. જોકે નવેમ્બર ૨૦૧૯માં મહિલાઓએ આઝાદી, જીવન પોતાની મરજીથી જીવવાની માગ સાથે દેશભરમાં દેખાવ કર્યા હતા. દેખાવોને અમુક સેલિબ્રિટીએ સમર્થન આપ્યું હતું. આ જ કારણે તેમને કાં તો દેશમાંથી કાઢી મૂકાયા કે પછી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
સજા, ધરપકડ અને યાતનાઓ છતાં દેખાવકારો પીછેહઠ કરવા તૈયાર નથી. તેઓ કહે છે કે ભલે અમારો જીવ જતો રહે પણ અમે વિરોધ કરતા રહીશું. અધિકારીઓએ કહ્યું કે હાલ સ્થિતિ વધુ મુશ્કેલ બનશે. ઉલ્લેખનીય છે કે હિજાબના વિરોધને લીધે ૧૬ સપ્ટેમ્બરે ૨૨ વર્ષીય યુવતી મહસા અમીનીના કસ્ટડીમાં મૃત્યુ બાદ દેશભરમાં દેખાવો શરૂ થઈ ગયા હતા. ત્યારથી દેખાવોમાં ૬૯ બાળકો સહિત ૫૦૦થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. બે લોકોને ફાંસી અપાઈ છે. ૨૬ને પણ આવી જ સજાની તૈયારી છે