બ્રિટેનના વડાપ્રધાને દર વર્ષે ૩૦૦૦ ભારતીય યુવા પ્રોફેશનલ્સને યુકેના વિઝા આપવાનુ એલાન કર્યુ

બાલી,

બ્રિટનના પ્રધાનમંત્રી ૠષિ સુનકે ઈન્ડોનેશિયામાં જી૨૦ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ મોટો નિર્ણય કર્યો છે. તેમણે ભારતીય છાત્રોના વિઝા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે દર વર્ષે ૩૦૦૦ ભારતીય યુવા પ્રોફેશનલ્સને યુકેના વિઝા આપવાનુ એલાન કર્યુ છે. બ્રિટિશ સરકારનુ કહેવુ છે કે આ પ્રકારની યોજનાથી લાભાન્વિત થનાર ભારત પહેલો દેશ છે.

બ્રિટનના પ્રધાનમંત્રી ૠષિ સુનકે કહ્યુ કે, ’આજે યુકે-ભારત યંગ પ્રોફેશનલ્સ સ્કીમની પુષ્ટિ કરવામાં આવી છે. ૧૮-૩૦ વર્ષ સુધીના ડિગ્રી ધારક યુવાનોને યુકેમાં આવવા અને બે વર્ષ સુધી કામ કરવા માટે ત્રણ હજાર વિઝા આપવામાં આવી રહ્યા છે.’ તમને જણાવી દઈએ કે બ્રિટન તરફથી આ મોટી જાહેરાત ઈન્ડોનેશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુનક વચ્ચેની મુલાકાત બાદ કરવામાં આવી છે. બંને નેતાઓ જી૨૦ની ૧૭મી આવૃત્તિમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા પહોંચ્યા છે. યુકેના વડાપ્રધાન બન્યા બાદ સુનકની વડાપ્રધાન મોદી સાથેની આ પ્રથમ મુલાકાત હતી.

તમને જણાવી દઈએ કે યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશન્સ સ્કીમ હેઠળ યુકે ૩૦૦૦ ભારતીય યુવાનોને યુકે આવવા માટે આમંત્રણ આપશે અને બે વર્ષ માટે યુકેમાં કામ કરવા માટે વિઝા આપશે. ભારત આ સ્કીમ યુકેના લોકોને પણ આપશે. ડાઇનિંગ સ્ટ્રીક દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ભારત અને યુકે વચ્ચેના સંબંધોના સંદર્ભમાં આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈન્ડો પેસિફિક ક્ષેત્રના અન્ય દેશો કરતાં યુકેની ભારત સાથે ઘણી ઊંડી કડી છે. યુકેમાં લગભગ એક ચતુર્થાંશ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારતના છે, ભારતીય રોકાણથી યુકેમાં ૯૫,૦૦૦ નોકરીઓનુ સર્જન કરે છે.